• શનિવાર, 25 માર્ચ, 2023

સૂર્યા પ્રકલ્પનું પ્રથમ તબક્કાનું કામ 95 ટકા પૂર્ણ  

વસઈ-વિરારની પાણીની સમસ્યા ઉકેલાશે

મુંબઈ, તા. 2 : મીરા-ભાયંદર અને વસઈ-વિરાર મહાપાલિકા વિસ્તારના 27 ગામોની તરસ છીપાવવા માટે એમએમઆરડીએ દ્વારા હાથ ધરવામાં આવેલા સૂર્યા પ્રાદેશિક પ્રકલ્પના પહેલા તબક્કાનું 95 ટકા કામ પૂરું થયું છે અને માર્ચ મહિનામાં આ તબક્કો કાર્યાન્વિત થઈ જશે. આ તબક્કો કાર્યાન્વિત થતાં વસઈ-વિરાર પાલિકા વિસ્તારને 185 એમએલડી ક્ષમતાથી પાણીપુરવઠો કરવામાં આવશે. આથી પાણીની અછતથી ત્રસ્ત વસઈ-વિરારના રહેવાસીઓને મોટી રાહત મળશે.

એમએમઆરડીએ દ્વારા 2017થી  સૂર્યા પ્રાદેશિક પ્રકલ્પનું કામ હાથ ધરાયું છે અને એ માટે રૂા. 1,325.78 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 403 એમએલડી ક્ષમતાનું જળશુદ્ધિકરણ કેન્દ્ર બાંધવામાં આવી રહ્યું છે. કામ શરૂ થયા બાદ 34 મહિનામાં આ કામ પૂરું થવાનું અપેક્ષિત હતું. પરંતુ વિવિધ કારણોને લીધે આ પ્રકલ્પ વિલંબમાં પડયો હતો. મેટ્રોપોલિટન કમિશનર એસ.વી.આર. શ્રીનિવાસના નિર્દેશ પછી છેલ્લાં કેટલાંક મહિનાથી કામની ગતિ વધારવામાં આવી છે. તે મુજબ બંને તબક્કાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે અને હાલમાં કુલ પ્રોજેક્ટનું 82 ટકા કામ પૂરું થયું છે. પહેલા તબક્કાનું કુલ 95 ટકા કામ પૂરું થયું છે. પ્રકલ્પના ઇનટેક સ્ટ્રક્ચરનું 98 ટકા અને જળશુદ્ધિકરણ કેન્દ્રનું 94 ટકા કામ પૂરું થયું છે.

આ પ્રકલ્પ હેઠળ કુલ 88 કિ.મી.ની પાઈપલાઈન નાખવામાં આવી રહી છે. તેમ જ મેંઢવણખિંડમાં ટનલ બાંધવામાં આવી છે. તુંગારેશ્વર બોગદાનું કામ પ્રગતિમાં પર છે. માર્ચમાં વસઈ-વિરારને પાણીપુરવઠો કરનારો પહેલો તબક્કો કાર્યાન્વિત થયા બાદ બીજો તબક્કો પણ કેટલાક મહિનામાં પૂર્ણ કરીને કાર્યાન્વિત કરવામાં આવશે. પહેલો તબક્કો પૂર્ણ થયા બાદ વસઈ-વિરાર વિસ્તારને અને બીજો તબક્કો કાર્યાન્વિત થયા બાદ મીરા-ભાયંદર વિસ્તારને મબલખ પાણી મળશે એવું પાલિકાનું કહેવું છે.