• શનિવાર, 25 માર્ચ, 2023

ગુવાહાટીમાં ગુરુદેવે મને ફોન કરી વિજયી થવાના આશીર્વાદ આપેલા : મુખ્ય પ્રધાન  

શ્રી શ્રી રવિશંકર અને શિંદે પ્રથમ વખત એક મંચ પર

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 2 : આર્ટ અૉફ લિવિંગના ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર આજે મહારાષ્ટ્રની મુલાકાતે આવ્યા હતા ત્યારે જાલનામાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમની સાથે મંચ પર મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ સામેલ હતા. ત્યારે શિંદેએ ભૂતકાળમાં શ્રી શ્રી રવિશંકર સાથે તેમની થયેલી ચર્ચા અંગે માહિતી આપી હતી. શિંદેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સંતોની ભૂમિ છે અને આજે શ્રી શ્રી રવિશંકર અહીં પધાર્યા છે. અમે જ્યારે ગુવાહાટીમાં હતા ત્યારે શ્રી શ્રી રવિશંકરે મને ફોન કર્યો હતો અને આશીર્વાદ આપ્યા હતા. તેમને મેં કહ્યું હતું કે હવે યુદ્ધ શરૂ કર્યું છે ત્યારે તેમણે મને કહ્યું કે તમે સારું કામ કરી રહ્યા છો અને સફળતા જરૂર મળશે. શિંદેએ કહ્યું કે ગુરુદેવ સારું કરનારાઓની સાથે હંમેશાં ઊભા રહે છે અને તેથી જ આ કાર્યક્રમમાં અમે સાથે એક મંચ પર છીએ. 

અમે રોકાણ લાવવા માટે દાવોસ ગયા હતા. ત્યાં ગુરુદેવ મને મળ્યા હતા. દાવોસમાં અમે 1.40 લાખ કરોડના કરાર કર્યા. અમે આ કરાર પ્રત્યક્ષમાં જમીન પર ઊતારીશું એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. છેલ્લા છ મહિનામાં સરકાર તરફથી મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા, એક પણ નિર્ણય અમે પોતાના ફાયદા માટે નથી લીધો. તમામ નિર્ણયો જનતા માટે લીધા છે, એમ શિંદેએ કહ્યું હતું. 

આ કાર્યક્રમને સંબોધિત કરતા શ્રી શ્રી રવિશંકરે કહ્યું કે ધર્મ છોડીને જે સત્તાની રાહ પર જાય છે તેમની સત્તા છીનવાઈ જાય છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે લોકો માટે કામ કરે છે. મેં એક વખત તેમને કૉલ કર્યો હતો ત્યારે રાત્રે 12 વાગ્યા હતા અને તેઓ એક કાર્યક્રમમાં હતા. અન્ય લોકોએ પણ તેમનાથી પ્રેરણા લેવી જોઇએ.