• ગુરુવાર, 16 મે, 2024

યુતિ અને આઘાડીમાં કચવાટ

કુન્દન વ્યાસ

મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં પાંચ બેઠકોની ચૂંટણી 19મી એપ્રિલ - પહેલા તબક્કામાં થનાર છે. નીતિન ગડકરીએ પાંચ લાખ વોટની સરસાઈથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વડા પ્રધાન મોદીની રૅલીમાં મહાયુતિની એકતા પ્રદર્શિત થઈ પણ રાજ્યની 48 બેઠકોમાંથી હજુ પણ નવ બેઠકો માટે સમજૂતી થઈ નથી અને ખેંચતાણ ચાલી રહી છે. નાશિક, રત્નાગિરિ, સિંધુદુર્ગ, પાલઘર, થાણે, સાતારા, ઔરંગાબાદ અને મુંબઈની બે બેઠકો માટે ખેંચતાણ છે. દક્ષિણ મુંબઈ માટે આખરી પસંદગી રાહુલ નાર્વેકરની થાય એવી શક્યતા છે. અન્ય બેઠકોમાં નાશિકની મુખ્ય છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસના છગન ભુજબળનું નામ છે પણ તેઓ ભાજપના - કમળ - નિશાન ઉપર લડવા માગતા નથી - એમના રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષનું નિશાન `ઘડિયાળ' સલામત રાખવા માગે છે સ્વાભાવિક પ્રશ્ન થાય કે ભાજપના નિશાનના આગ્રહ શા માટે થાય છે? શક્ય છે કે ભાજપ માને છે કે નાશિકમાં ભાજપના નિશાનથી ફાયદો થશે. અને આમ પણ ઘડિયાળ ક્યારે `બંધ' થશે? તે કહેવાય નહીં!

ઉમેદવારનું નામ નક્કી હોય તો નિશાન ઉપર વિવાદ શા માટે? પરિણામ પછી સંખ્યાબળ બતાવવા માટે ખેંચતાણ છે. અત્યારે ભાગીદાર પક્ષો વચ્ચે સમજૂતી હોય તો પણ સૌ પોતાની ઓળખ અને સંખ્યા બચાવવા માગે છે! પરિણામ આવ્યા પછી પણ સત્તાની ભાગીદારીમાં સંખ્યાબળનું મહત્ત્વ છે. અત્યારે 48માંથી 24 ઉમેદવારો ભાજપના, શિંદે સેનાના નવ અને રાષ્ટ્રવાદીના ચાર છે. બાકી રહ્યા તે નવમાં પણ ગજગ્રાહ ભાજપ અને શિંદે વચ્ચે છે.

મહાયુતિની જેમ મહારાષ્ટ્ર વિકાસ આઘાડીમાં પણ કચવાટ છે. વિશેષ કરીને મુંબઈ પ્રદેશ અને મહારાષ્ટ્ર કૉંગ્રેસ વચ્ચેના મતભેદ બહાર આવ્યા છે. મુંબઈ કૉંગ્રેસના વડા - (પ્રમુખ નહીં) વર્ષા ગાયકવાડ છે - પણ એમની  ટિકિટ કપાઈ ગઈ છે! સામાન્ય રીતે મુંબઈની બેઠકોમાંની પાંચ કૉંગ્રેસ અને એક રાષ્ટ્રવાદીને મળતી હતી. હવે આઘાડીમાં ભાગીદાર બન્યા પછી મુંબઈને ત્રણ બેઠકો મળવી જોઈએ. હવે મુંબઈ કૉંગ્રેસના નેતાઓ નવી દિલ્હી જઈને `હાઈકમાંડ' સમક્ષ રજૂઆત કરવા માગે છે કે હજુ પણ અદલાબદલી ને અવકાશ છે.

મુંબઈ કૉંગ્રેસ ભલે દિલ્હીની `ડેલી' હાથ દઈને આવે - કાંઈ વળવાની આશા નથી. ઉદ્ધવ ઠાકરે કોઈ કાળે નમતું જોખવા તૈયાર નથી. એમને વિશ્વાસ છે કે લોકસભામાં અને પછી વિધાનસભામાં એમની બેઠકો વધુ હશે!

મુંબઈ કૉંગ્રેસ ઘણા વખતે સમાચારમાં આવે છે! એક જમાનો હતો જ્યારે મુંબઈ કૉંગ્રેસની હાક દિલ્હીમાં પણ વાગતી હતી. મહારાષ્ટ્ર કૉંગ્રેસ જાણે મુંબઈ કૉંગ્રેસની શાખા હતી. મુંબઈમાં એસ.કે. પાટીલ, રજની પટેલ અને ભાનુશંકર યાજ્ઞિક જેવા ધુરંધર નેતાઓ હતા. 1969ના ભવ્ય ભંગાણનો ભોગ મુંબઈ કૉંગ્રેસ બની. હવે તો મુંબઈ સુધરાઈના બજેટ અને તિજોરી ઉપર સૌની નજર હોય છે!