• શનિવાર, 13 એપ્રિલ, 2024

રશિયામાં સપડાયેલા ભારતીયોનો છુટકારો  

ગયા વર્ષે આશરે સો ભારતીયોને રશિયાની સેનામાં  `સહાયક' તરીકે સામેલ કરાયા પછી હવે તેઓને યુદ્ધમાં યુક્રેન વિરુદ્ધ ઉતરવા માટે ફરજ પાડવાના સમાચાર ચિંતાજનક તથા અત્યંત વાંધાજનક છે. આમાં કેટલાક શ્રમિકો તો સેનામાં ભોજન રાંધવાના કામ માટે રાખવામાં આવ્યા હતા. આથી તેઓ સાથે થયેલા કૉન્ટ્રાક્ટ અનુસાર તેમને યુદ્ધમાં મોકલી શકાય નહીં.

આમાંથી મોટા ભાગના લોકો ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના હોવાનું માનવામાં આવે છે. સંપૂર્ણ પ્રકરણ બહાર ત્યારે આવ્યું જ્યારે રશિયામાં ફસાયેલી હૈદરાબાદની એક વ્યક્તિના પરિવારે સાંસદ અસદુદ્દીન ઓવૈસીની મદદ માગી, જેના પર તેમણે વિદેશપ્રધાનને મામલામાં હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે.

મળતી માહિતી મુજબ લગભગ 18 ભારતીયો નવેમ્બર 2023થી રશિયા-યુક્રેન સીમા પર ફસાયેલા છે અને એકનું મોત પણ થઈ ચૂક્યું છે. આવામાં સરકાર દ્વારા ત્વરિત કાર્યવાહીની માગ સ્વાભાવિક છે. કારણ કે શ્રમિકોથી તેમના પાસપોર્ટ અને અન્ય દસ્તાવેજ પણ છીનવી લેવામાં આવ્યા છે, આવામાં તેઓની સ્થિતિની કલ્પના કરી શકાય છે.

મૉસ્કોમાં હાલ શ્રમિકો સાથે થયેલા કૉન્ટ્રાક્ટ અનુસાર, તેઓને દર મહિને બૉનસ મળીને લગભગ દોઢ લાખ રૂપિયા આપવાના હોય છે. નિર્ધારિત નાણાં તેમને નહીં મળ્યાં હોય, કેમ કે લાલચ આપી તેમને જાળમાં સપડાવી લૂંટી લેવાયા છે.

નોકરી અને વધુ નાણાં કમાવવાની લાલચમાં શ્રમિકો યુદ્ધગ્રસ્ત રશિયા અને ઇઝરાયલ જેવા દેશોમાં જવાથી પણ અચકાતા નથી. જે પરિવારોનાં બાળકો બધું દાવ પર લગાડી વિદેશમાં નોકરીની માયાજાળમાં ફસાય છે. તેમના માટે  સહાનુભૂતિપૂર્વક વિચારવું તો આવશ્યક છે , પ્રવૃત્તિને ગંભીરતાથી લેવાની પણ આવશ્યક્તા છે.

કતારમાં ભૂતપૂર્વ ભારતીય નૌસૈનિકોના છુટકારામાં ભારતીય વિદેશ ખાતાએ ભજવેલી ભૂમિકા જોતાં પ્રકરણમાં સ્વાભાવિક તેનાથી આશાઓ વધી ગઈ છે. ભારતે રશિયાથી ભારતીઓના તુરંત છુટકારાની માગ કરી છે, જેના જવાબની  પ્રતીક્ષા છે. ભારત અને રશિયાના ઘનિષ્ઠ સંબંધો જોતા આશા રાખી શકાય છે કે ભારતીયો તરત સ્વદેશ પાછા ફરે તે કોઈપણ સંજોગોમાં જરૂરી થશે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ