• શનિવાર, 13 એપ્રિલ, 2024

ક્રિકેટરોની પ્રાથમિકતા  

છેવટે બોર્ડ ફોર ક્રિકેટ કન્ટ્રોલ ઈન ઇન્ડિયાએ (બીસીસીઆઈ) મિડલ અૉર્ડર બૅટ્સમૅન શ્રેયસ ઐય્યર અને યુવા વિકેટકીપર-બૅટ્સમૅન ઈશાન કિશનને વાર્ષિક કરારની યાદીમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા થોડા સમયથી આવા નિર્ણયના ભણકારા વાગી રહ્યા હતા કેમ કે, બંને તથા અન્ય ખેલાડીઓએ ટીમ ઇન્ડિયા માટે રમવા કે ડોમેસ્ટિક ક્રિકેટમાં સહભાગી થવાને બદલે રૂપિયા છાપતી ઇન્ડિયન પ્રીમિયર લીગને (આઈપીએલ) પ્રાધાન્ય આપી રહ્યા હોવાનું જોવા મળ્યું છે.

ઈશાન કિશન અને શ્રેયસ ઐય્યરની પ્રતિભા વિશે કોઈ શંકા હોઈ શકે. બન્નેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય ટીમ માટે મહત્ત્વનું યોગદાન આપ્યું છે, પણ છેલ્લા કેટલાક મહિનાથી બન્ને ખોટાં કારણોસર સતત પ્રસિદ્ધિમાં રહ્યા છે. ઈંગ્લૅન્ડ વિરુદ્ધ પ્રથમ બે ટેસ્ટમાં ખરાબ દેખાવ પછી ટીમ મૅનેજમેન્ટે ઐય્યરને બ્રેક આપી રણજી ટ્રૉફી રમવાની સલાહ આપી હતી, પણ સફળતાની રાઈ મગજમાં ભરાય ગઈ હોય તો ખેલાડીઓ ખોટાં પગલાં લેતાં હોય છે. ઐય્યરે કર્યું અને કમરના દુખાવાનું કારણ આગળ કરી રણજી ટ્રૉફી રમવાથી દૂર રહ્યો. આના પર બોર્ડે ઐય્યરની ફિટનેસની તપાસની જવાબદારી નેશનલ ક્રિકેટ એકેડેમીને સોંપી. ઐય્યર પૂર્ણપણે ફિટ હોવાનું એકેડેમીએ જણાવ્યું અને તેના દાવાની પોલ ખૂલી ગઈ.

ઐય્યરની જેમ ઈશાન કિશનનો વ્યવહાર પણ સમજાય નહીં એવો છે. ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકાની ટૂર દરમિયાન ટેસ્ટ સિરીઝમાંથી અચાનક કિશનનું સ્વદેશ પાછું ફરવું આશ્ચર્યજનક નિર્ણય હતો. પછી યુવાન આક્રમક બૅટ્સમૅન પ્રસિદ્ધિમાંથી દૂર થઈ ગયો. શરૂઆતમાં તેમણે માનસિક તાણનું કારણ આગળ કર્યું. જોકે, ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ હંમેશાં કિશનને મેદાનમાં પાછા ફરી રમવાની સલાહ આપતા રહ્યા, પરંતુ ઈશાને હંમેશાં અવગણના કરી. અચાનક ખબર પડી કે ઈશાન કિશન વડોદરામાં કિરણ મોરેની એકેડેમીમાં આઈપીએલની ટીમ મુંબઈ ઇન્ડિયન્સના સુકાની હાર્દિક અને ભાઈ કૃણાલ પંડયા સાથે પ્રેક્ટિસ કરી રહ્યો છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ દેશના અનેક યુવાન ખેલાડીઓ માટે વરદાન સાબિત થઈ છે, પણ ક્યારેક વરદાન ભારતીય ક્રિકેટના કર્તાહર્તાઓ માટે માથાના દુખાવાનું કારણ બની જાય છે, શ્રેયસ અને કિશન બન્ને માની બેઠા છે કે નિકટ ભવિષ્યમાં રાષ્ટ્રીય ટીમમાં સ્થાન નહીં મળે તો પણ આઈપીએલ દ્વારા નાણાં તો મળશે . કારણસર યુવા ખેલાડીઓએ ટીમ મૅનેજમેન્ટ અને બીસીસીઆઈના ટોચના અધિકારીઓની ચેતવણીઓની સતત ઉપેક્ષા કરી છે. નાણાંનો ધોધ વહાવતી આવી ટી-20 સ્પર્ધાઓને પગલે વેસ્ટ ઇન્ડિઝ, દક્ષિણ આફ્રિકા અને અૉસ્ટ્રેલિયાના અનેક યુવા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવા લાગ્યા છે. ભારતીય ખેલાડીઓ આઈપીએલ માટે ટેસ્ટ ક્રિકેટની અવગણના કરી રહ્યા છે, ગંભીર બાબત છે. બોર્ડે લીધેલો નિર્ણય સમયોચિત છે અને ક્રિકેટમાં પ્રાથમિકતાઓનો અગ્રતાક્રમ નક્કી કરવાની દિશામાં પહેલું પગલું છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ