• મંગળવાર, 30 એપ્રિલ, 2024

મહાવિકાસ આઘાડીની કસોટી  

છેલ્લા દોઢ-બે મહિનાની માથાકૂટ પછી મહાવિકાસ આઘાડીએ બેઠક વહેંચણી જાહેર કરી છે. લોકસભાની 48 બેઠકો પૈકી ઉદ્ધવ સેનાને 21, કૉંગ્રેસને 17 અને શરદ પવારની રાષ્ટ્રવાદીને 10 બેઠકો ફાળવાઈ છે. કૉંગ્રેસે હાલમાં ચૂંટણી ઢંઢેરો બહાર પાડયો છે ત્યારે રાજ્યની મહાવિકાસ આઘાડી ત્રણે પક્ષો વતી કોઈ ખાસ મહારાષ્ટ્રલક્ષી ઢંઢેરો તૈયાર કરે છે કે નહીં તે જોવું રહ્યું. આઘાડીના બે પક્ષો પ્રાદેશિક મહત્ત્વના છે. પત્રકાર પરિષદમાં ઉદ્ધવ ઠાકરેએ પ્રકાશ આંબેડકરની ટીકા કરવાનું ટાળ્યું હતું. ભવિષ્યમાં તેઓ ફરી સાથે આવી શકે છે એવું અર્થસૂચક વિધાન કર્યું હતું. રાજ્યની 48 પૈકી સર્વાધિક બેઠકો ઉદ્ધવ સેના લડી રહી છે, પણ આઘાડીનું અનૌપચારિક નેતા પદ ઉદ્ધવ ઠાકરે પાસે હોવાનું જણાયું છે. ભાજપ સાથે હતી ત્યારે 23 બેઠકો લડનારી ઠાકરેની શિવસેના નવા મિત્રો આવ્યા છતાં 21 બેઠકો લડી રહી છે, તે નોંધપાત્ર છે. કૉંગ્રેસની `લાફો મારી ગાલ લાલ રાખવા' જેવી સ્થિતિ થઈ છે. તેમના નેતાઓની બોડી લૅન્ગવેજ પરથી દેખાય છે કે નછૂટકે ઉદ્ધવ સેનાને `મોટો ભાઈ' માનવો પડયો છે.

સાંગલી અને ભિંવડીની બેઠક પોતાના હાથમાંથી અનુક્રમે ઠાકરે સેના અને પવાર રાષ્ટ્રવાદીએ આંચકી લીધા પછી કૉંગ્રેસમાં અસંતોષનું વાતાવરણ છે. મુંબઈ કૉંગ્રેસને બેઠક વહેંચણીમાં વિશ્વાસમાં નથી લેવામાં આવી અને મુંબઈ કૉંગ્રેસને ઓછી બેઠકો મળ્યાની ફરિયાદો ઊઠી છે. હવે કૉંગ્રેસમાંનો અસંતોષ બેઠક વહેંચણી પછી બહાર આવતાં હૈયાવરાળ બની ઊડી જાય છે કે તે મૂર્ત સ્વરૂપ લે છે તે જોવાનું છે. 

ઉદ્ધવની શિવસેના એક અર્થમાં અસ્તિત્વની લડાઈ લડશે. તેમાં કૉંગ્રેસનો સાથ ક્યાં સુધી રહેશે, તેનો `િલટમસ ટેસ્ટ' હવે મહામુંબઈ અને કેટલાક પ્રમાણમાં રાજ્યમાં થવાનો છે. રાજ્યમાં શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ બાબત ખરું છે. ફૂટીને ટુકડા થયેલા બે પક્ષોના ચારેય જૂથોના હાથ `બાંધેલી મુઠ્ઠી' છે. તે લોકસભાનાં પરિણામ આવતાં ખૂલશે. ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર બેમાંથી મહારાષ્ટ્રના નેતા કોણ તે ઠરાવનારી ચૂંટણી છે.

નાના પાટોલે કહે છે કે કૉંગ્રેસ રાષ્ટ્રીય અને સ્વાતંત્ર્ય ચળવળનો વારસો ધરાવતો મોટો પક્ષ છે. ત્યારે તેમના નેતાઓએ દાખવેલું `મોટાપણું' સ્થાનિક નેતાઓ-કાર્યકર્તાને ગળે ઉતરે છે કે તેઓ પોતાનું શક્તિ પ્રદર્શન દાખવશે જોવાનું છે. આમ છતાં શરદ પવાર કહે છે કે કોઈપણ બેઠક માટે મહાવિકાસ આઘાડીમાં અસંતોષ નથી. તેને લઈ હાલની રાજકીય પરિસ્થિતિ જોતાં આઘાડી માટે સંગઠિત હોવાનું ચિત્ર દાખવવું સરળ નહીં હોય.

ઇ-પેપરના નવા શુલ્ક