• મંગળવાર, 30 એપ્રિલ, 2024

કેજરીવાલ-`આપ' પતનના માર્ગે  

દિલ્હીના મુખ્ય પ્રધાન અને `આપ'ના સર્વેસવા અરવિંદ કેજરીવાલે ઈડી દ્વારા પોતાની રિમાન્ડ અને ધરપકડને હાઈ કોર્ટમાં પડકારી હતી. કોર્ટે કેજરીવાલ વતી કરવામાં આવેલી તમામ દલીલોને નકારી કાઢતાં એમની ધરપકડ કાયદેસર ઉચિત ઠેરવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હવાલા દ્વારા ગોવા વિધાનસભાની ચૂંટણી માટે મોકલવામાં આવેલા પૈસાનો સીધો સંબંધ અરવિંદ કેજરીવાલથી હોય નહીં તો પણ પક્ષના સંયોજક હોવાના નાતે તેમની જવાબદારી બને છે. હાઈ કોર્ટે અગાઉ દિલ્હીના શરાબ કૌભાંડમાં કેજરીવાલને તેના સૂત્રધાર જણાવી ચૂકી છે.

કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કેસ દિલ્હી સરકાર વિરુદ્ધ કેન્દ્ર સરકારનો નહીં પણ કેજરીવાલ વિરુદ્ધ `ઈડી'નો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હાથ હોવાના વિપક્ષના આક્ષેપનો આપોઆપ છેદ ઊડી જાય છે. કેજરીવાલે કેસના અન્ય સાક્ષીઓનાં નિવેદનોને કોર્ટમાં પડકાર્યાં હતાં અને તેને કેન્દ્રના શાસક પક્ષ સાથેની મિલીભગત સાથે સરખાવ્યાં હતાં. જ્યારે કોર્ટે કેજરીવાલની ઝાટકણી કાઢતાં કહ્યું કે ``માફી માગનારા સાક્ષીઓ''ના નિવેદન કોર્ટ નોંધે છે, નહીં કે કોઈ એજન્સી. એટલે કે કેજરીવાલે ન્યાયિક પ્રક્રિયા પર પણ સવાલ ઉઠાવ્યા છે એમ કહીને કેર્ટે તેમની દલીલો ફગાવી દીધી છે.

 હવે કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાં ધા નાખવાના છે. તેમનું માનવું છે કે શરાબ કૌભાંડના એક આરોપી પ્રધાન સંજય સિંહને જામીન મળ્યા તેવી રીતે તેમને પણ ન્યાય મળશે. વાસ્તવમાં કેજરીવાલની અરજી જામીન માટે નહીં, ધરપકડ અને રિમાન્ડના વિરોધમાં છે. જ્યારે સંજય સિંહને જામીન મળી તેનું મુખ્ય કારણ હતું કે ઈડીએ તેમની જામીનનો વિરોધ નહોતો કર્યો. ઉપરાંત શરાબ કૌભાંડમાં છેલ્લા 14 મહિનાથી જેલમાં બંધ `આપ'ના નેતા મનીષ સિસોદિયાની ત્રણ વેળા જામીન અરજી સુપ્રીમ કોર્ટે નકારી કાઢી છે. હવે શરાબ કૌભાંડમાં કેજરીવાલની ભૂમિકા વધુ સ્પષ્ટ થતી જાય છે અને તેમાં તેમની ધરપકડને હાઈ કોર્ટે કાયદેસર જણાવી છે ત્યારે કેજરીવાલ માટે લાંબો જેલવાસ હોય તો નવાઈ નહીં.

કેજરીવાલ સામેનો ઈડીનો કેસ મજબૂત જણાય છે. છતાં મુખ્ય પ્રધાન તરીકે રાજીનામું આપવાની વાત તેઓ કરતા નથી. ઊલટાની દલીલ કરે છે કે ઈડીને પૂછપરછ કરવી હોય તો વીડિયો કૉન્ફરન્સથી કરે. હાઈ કોર્ટે દલીલ પણ નકારી કાઢી છે અને કહ્યું છે કે પૂછપરછ કેવી રીતે કરવી તે આરોપી નક્કી કરી શકે નહીં. આરોપી મુખ્ય પ્રધાન હોય કે ગમે તે હોય, તેના માટે વિશેષ સુવિધા હોઈ શકે.

હાઈ કોર્ટના ચુકાદા પછી કેજરીવાલનો ચેહરો અને અભિમાનનો પણ પર્દાફાશ થઈ ગયો છે. તેમને હવે પદ પર હોવાનો નૈતિક અધિકાર નથી. તેમણે તપાસ અને ન્યાયિક પ્રક્રિયાનું રાજકારણ કરવાનો પ્રયાસ કર્યો છે. ભારતીય રાજકારણમાં ફક્ત એક દશકામાં આવું પતન ભાગ્યે કોઈનું થયું નહીં હોય. હાઈ કોર્ટના ચુકાદાએ `આપ'નું ઘમંડ તોડી નાખ્યું છે. કેજરીવાલની ધરપકડ તથ્યો પર આધારિત હોવાનું હાઈ કોર્ટે કહ્યું છે ત્યારે એમણે લજ્જિત થવું જોઈએ. તેઓ ``આપ''ના મુખ્ય પ્રધાન નહીં પણ શરાબ કૌભાંડના આરોપી છે. ભ્રષ્ટાચારના પર્દાફાશ માટે સ્થપાયેલો પક્ષ પોતે કૌભાંડમાં ગળાડૂબ હોય તો તેના સ્થાપક અને પક્ષનું પતન નક્કી છે.

ઇ-પેપરના નવા શુલ્ક