• મંગળવાર, 30 એપ્રિલ, 2024

સંદેશખાલી : સીબીઆઈને સહકાર મળશે?  

પશ્ચિમ બંગાળમાં સંદેશખાલીમાં હિંસા પ્રકરણે કલકત્તા હાઈ કોર્ટે મહત્ત્વપૂર્ણ આદેશમાં સીબીઆઈને સમગ્ર પ્રકરણે તપાસ કરવા માટે વિશેષ ટીમ એટલે `સીટ' રચવાનો આદેશ આપ્યો છે. જે સંદેશખાલીમાં મહિલાઓ સાથે થયેલાં દુષ્કર્મ, જાતીય ઉત્પીડન, જમીનો પચાવી પાડવી અને ધાકધમકીથી પૈસા પડાવવા સહિત તમામ પ્રકારના આરોપોની તપાસ કરશે. કોર્ટે કહ્યું કે, સંદેશખાલીમાં ગત જાન્યુઆરીમાં ઈડીના અધિકારીઓ પર થયેલા હુમલાની તપાસ હવે કોર્ટની દેખરેખ હેઠળ થશે. પશ્ચિમ બંગાળ સરકારને આંચકો આપતો આદેશ છે.

માનવતાને લજ્જીત કરનાર સંદેશખાલીનો કેસ હવે સીબીઆઈના હાથમાં છે. સંદેશખાલીમાં બનેલી ઘટનાઓ માનવીય સંવેદનાને ખળભળાવી દેનારી છે. આવી બીભત્સ ઘટના પછી રાજકારણને સ્થાન નથી છતાં તૃણમૂલ કૉંગ્રેસે રાજકારણ કર્યું છે. એક એવો પક્ષ જે 2006-07માં સિંગૂર અને નંદીગ્રામમાં કૃષિ ભૂમિની રક્ષા માટે આંદોલનના સહારે સત્તામાં આવ્યો હતો તે હવે શરમજનક ભૂમિકામાં છે.

જે પક્ષ અને સરકાર `મા, માટી, માનુષ'ના લોકપ્રિય સૂત્ર પર ચાલતી હતી તેના માટે હાઈ કોર્ટને પણ કહેવું પડયું છે કે જો એક ટકો પણ સચ્ચાઈ હોય તો બહુ શરમજનક છે. જો કોઈ નાગરિકની સુરક્ષા ભયમાં હોય તો આને માટે સીધો સત્તાપક્ષ જવાબદાર છે. હવે મુખ્ય પ્રધાન મમતા બેનરજીનું કહેવું છે કે સંદેશખાલી આરએસએસનો કિલ્લો બની ચૂક્યું છે અને બિનપાયાદાર વિવાદ ઊભો કર્યો છે.

2006-07માં પશ્ચિમ બંગાળમાં ડાબેરી સરકાર આટલી દબંગ હતી, પરંતુ તેનાથી અનેક ગણી આજે તૃણમૂલ કૉંગ્રેસ સરકાર છે. પહેલા ડાબેરી મોરચાના કાર્યકર્તાઓ પર આરોપ થતા હતા કે તેઓ સરકારી સંરક્ષણમાં જમીનો પર કબજો કરતા હતા, ઠેકા લેતા હતા, અનિયમિતતા આચરતા હતા અને વિપક્ષોના કાર્યકર્તા વિરુદ્ધ હિંસાચાર હતો. પ્રવૃત્તિઓના પ્રતિકારમાં લોકોએ તૃણમૂલ કૉંગ્રેસના હાથમાં સત્તા સોંપી હતી. જ્યારે હવે તૃણમૂલના કાર્યકર્તાઓ અને નેતાઓ પણ રાહ પર છે.

લાગે છે કે સરકાર તૃણમૂલ - વ્યાપાર ગઠબંધન દ્વારા સ્થાપિત થઈ ગઈ છે, જે કાયદાના શાસનને નબળું પાડી રહી છે. શાહજહાં શેખ જેવી વ્યક્તિ કાયદાથી ઉપર છે. કારણ કે સ્થાનિક સ્તર પર તે મુખ્ય આધાર છે. સરકારે જ્યારે કાર્યવાહી થઈ સત્તાનો દેખાડો કર્યો પણ હવે સીબીઆઈના હાથમાં તપાસ આવ્યા પછી તેને મમતા સરકાર સહકાર આપે છે કે નહીં તે જોવું રહ્યું.

ઇ-પેપરના નવા શુલ્ક