• મંગળવાર, 30 એપ્રિલ, 2024

ગેરમાર્ગે દોરતી જાહેરખબર  

આધુનિક - વિશેષ કરીને એલોપથીની દવાઓ તાત્કાલિક અસરકર્તા હોય છે તેમ છતાં તેની આડઅસરો પણ હોય છે - વાસ્તવિકતા સૌ સ્વીકારે છે પણ પતંજલિએ આયુર્વેદના ઔષધોનો પ્રચાર અને પ્રોત્સાહન કરવામાં અન્ય દવાઓની નિષ્ફળતાનો દાવો જાહેરખબરોમાં કરવાની જરૂર નહોતી. પતંજલિની ભ્રામક જાહેરખબરો બદલ ઠપકો મળ્યા પછી - માફીપત્ર - પણ સુપ્રીમ કોર્ટને આપવા પહેલાં મીડિયાને આપવાની ગંભીર ભૂલ પતંજલિએ કરી છે તેની અસર આયુર્વેદમાં આસ્થા ધરાવતા સૌ ઉપર પડશે.

સ્વાસ્થ્ય બાબત દેશી-વિદેશી દવાઓ અને સારવાર પદ્ધતિ વિષે જાહેરખબરો અને દાવા - મીડિયામાં વિશેષ કરીને ટીવી ચૅનલો ઉપર કરવામાં આવે છે. પતંજલિના કેસ પછી હવે દેશી-વિદેશી તમામ ઔષધોની ચકાસણી માટે વ્યવસ્થા થવી જોઈએ. કેસ માર્ગસૂચક બને તે જરૂરી છે.

સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના એમડી આચાર્ય બાલકૃષ્ણના માફીપત્રનો અસ્વીકાર કરતાં કહ્યું છે કે કોર્ટમાં આપેલા વચનનું જાણીબૂઝીને ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તમારે આનાં પરિણામ ભોગવવાં પડશે. પતંજલિની દવાઓની ભ્રામક જાહેરખબરો પર કોઈ કાર્યવાહી નહીં કરવા બદલ સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ રાજ્ય લાઇસન્સિંગ અૉથોરિટીને પણ ચેતવણી આપતાં કહ્યું કે પતંજલિ દ્વારા ખોટી માહિતી આપતી જાહેરાતોનું પ્રસારણ થઈ રહ્યું હતું ત્યારે ઉત્તરાખંડ લાઇસન્સિંગ અૉથોરિટી તપાસ કર્યા વિના માત્ર ફાઇલોને આગળ વધારી રહી હતી? રાજ્યના સંબંધિત અધિકારીઓ પણ કોર્ટનો તિરસ્કાર કરનારા સાથે મળેલા છે. તમે લોકોનાં જીવનને જોખમમાં મૂક્યાં છે.

પતંજલિને માફી નામંજૂર કરીને જે સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે તેને વ્યાપક અને સકારાત્મક દૃષ્ટિએ જોવો જોઈએ. રામદેવ અને બાલકૃષ્ણની બિનશરતી માફી કરતાં પણ સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડના અધિકારીઓને ચાબખા માર્યા તે વધુ મહત્ત્વપૂર્ણ છે. કોર્ટે જવાબદાર સરકારી અધિકારીઓ પ્રતિ આકરાં થવાનાં એંધાણ આપી દીધાં છે.

કોર્ટે પ્રકરણને ભારે ગંભીરતાથી લીધું છે. કોર્ટે માન્યું છે કે જાણીબૂઝીને કોર્ટના આદેશની અવહેલના કરવામાં આવી છે અને એફિડેવિટ પહેલાં મીડિયાને મોકલવામાં આવી છે જેથી પ્રસિદ્ધિનો લાભ લઈ શકાય. કોર્ટે અધિકારીઓની જે ભાષામાં ઝાટકણી કાઢી છે તે ગંભીર છે. જોવામાં આવ્યું છે કે દવા કે ખાણી-પીણી વ્યવસાયથી સંકળાયેલી અનિયમિતતા પ્રતિ જવાબદાર અધિકારીઓનું વલણ લગભગ ગુનાહિત હોય છે. લોકોનાં જીવન સાથે રમત રમાતી હોય છે પણ અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં હોય છે, કોઈ નવી વાત નથી. હવે સમય આવી ગયો છે, દેશના લોકોને ભ્રામક જાહેરખબરોથી બચાવવામાં આવે.

ઇ-પેપરના નવા શુલ્ક