• સોમવાર, 29 એપ્રિલ, 2024

હાજીઅલીનો માર્ગ કાળજી માગે છે

મુંબઈ મહાનગરપાલિકાએ બહુચર્ચિત કોસ્ટલ રોડ લોકો માટે ખુલ્લો મૂકવાની ઉતાવળ કરી હોવાનાં ચિહ્નો દેખાવાં લાગ્યાં છે. માર્ગમાં આવેલો હાજીઅલી ખાતેનો બોગદા માર્ગ બુધવારે ભરતીના સમયે પાણીથી ભરાઈ ગયો હતો. ચોમાસામાં મુંબઈના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાનો ભય કોસ્ટલ રોડને કારણે ટળશે એવા પાલિકાના દાવા આગળ પ્રશ્ન ચિહ્ન ઊભું થયું છે, ઉપરાંત હવે કેટલાંક સ્થળોએ માર્ગમાં પણ તિરાડ પડી હોવાનું જણાય છે. હાજીઅલી દરગાહ ભણી જતો લગભગ 50 ટકા માર્ગ કોસ્ટલ રોડની નીચેથી જાય છે. દરગાહે જનારા ભાવિકોને ત્રાસ પડે નહીં માટે પાલિકાએ ત્યાં ભૂગર્ભ પાદચારી માર્ગ બાંધ્યો છે. જોકે, ત્યાં રાહદારીઓ માટે સુવિધા ઉપલબ્ધ કરી અપાવવાનો સમય પાલિકાને નથી મળ્યો એવી ટીકા થઈ રહી છે.

છેલ્લાં ચાર વર્ષ પછી ભૂગર્ભ માર્ગમાં પાણી ભરાતું હોવાથી દરગાહના અધિકારીઓ ખુદ તે પાણી કાઢી માર્ગ ખુલ્લો કરતા હોય છે એવો દરગાહનો દાવો છે. દાવામાં કહેવામાં આવ્યું છે કે ચોમાસામાં પાલિકા દ્વારા પંપ બેસાડવામાં આવે છે, પરંતુ ચોમાસું પૂરું થતાં તે કાઢીને લઈ જવામાં આવે છે તેને લઈ ભાવિકોને ત્રાસ સહન કરવો પડે છે. રાહદારી રસ્તા પર ભરતીનું પાણી ભરાય નહીં તે માટે પાલિકા દ્વારા મુખ્ય પર્જન્ય વાહિનીનું બાંધકામ ચાલુ છે. સમુદ્રનું વધારાનું પાણી અહીં ટાંકી બાંધીને પછી તે સમુદ્રમાં છોડવામાં આવશે એમ પાલિકા અધિકારીનું કહેવું છે. જ્યારે હાજીઅલી ટ્રસ્ટ વતી કહેવામાં આવ્યું છે કે બપોરે એક વાગ્યાના સુમારે ભરતીના સમયે ભૂગર્ભ માર્ગમાં પાણી ભરાઈ ગયું હતું. અમે સમસ્યાના સંદર્ભમાં વર્ષભર કોસ્ટલ રોડ અને એલઍન્ડટી કંપનીના અધિકારીઓનો સંપર્ક સાધતા રહીએ છીએ. પણ પાલિકાવતી કોઈપણ હિલચાલ નથી થતી.

લગભગ 13 હજાર કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવી રહેલા કોસ્ટલ રોડનો વરલીથી મરીન ડ્રાઇવ સુધીનો નવ કિલોમીટરનો પ્રથમ તબક્કો 19મી માર્ચે ખુલ્લો મૂકવામાં આવ્યો. પણ મહિનાભરમાં ત્યાં ખાડા દેખાવા લાગ્યાની ફરિયાદો ઊઠી છે. સંબંધિત અધિકારીઓનું કહેવું છે કે ખાડા નહીં પણ નાની મોટી તિરાડો છે, તિરાડો `ઇપોક્સી'નો ઉપયોગ કરીને ભરી દેવામાં આવશે.

છેલ્લાં ચાર વર્ષથી કોસ્ટલ રોડનું કામ ચાલુ છે. કામને લઈ લોકોને ત્રાસ પડે નહીં એટલે હાજીઅલી ભણી જતા માર્ગ પર શેડ બાંધવાની વાત હતી, પણ હજી તે કામ શરૂ નથી થયું. ઉપરાંત ભૂગર્ભ રાહદારી માર્ગમાં પાદચારીઓ માટે ચાર હેલોજન બલ્બ સિવાય કોઈ સુવિધા નથી. માર્ગમાં વેન્ટિલેશન માટે પણ કોઈ પગલાં લેવામાં આવ્યાં છે કે નહીં? આશા છે કે કોસ્ટલ રોડનું કામ પૂર્ણ થવા પહેલાં હાજીઅલી દરગાહ અને તેની આસપાસના વિસ્તારોની સમસ્યાનો હલ કાઢવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક