• શનિવાર, 04 મે, 2024

મતદાન : સંતોષકારક અને આશાસ્પદ  

સામાન્ય ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન છૂટીછવાઈ હિંસાને બાદ કરતાં શાંતિપૂર્ણ સંપન્ન થયું છે. તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકો માટે વોટિંગ થયું. પાંચ વર્ષ પહેલાંની સરખામણીમાં ટકાવારીમાં ઘટાડો છે છતાં ઉનાળાની ગરમીમાં પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. કાશ્મીરમાં લોકો વિકાસકાર્યોને સકારાત્મક રૂપમાં લઈ રહ્યા છે અને વિકાસાત્મક અને સિસ્ટમેટિક બદલાવને સ્પષ્ટ મહેસૂસ કરી રહ્યા છે. તેથી મતદાનમાં પ્રથમ તબક્કાનો ઉત્સાહ જોઈને ચૂંટણી કમિશનરે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ટકાવારીમાં ઉત્તરોત્તર વધારો થતો રહેશે.

લોકતંત્રના મહાપર્વનો પહેલો તબક્કો શાંતિપૂર્ણ સંપન્ન થયો દાખવે છે કે દેશના મતદારો હવે પરિપક્વ થઈ ગયા છે. ત્રણ દશકા પહેલાં પશ્ચિમ બંગાળ, કેરળ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ચૂંટણી દરમિયાન હિંસા હોય એવી વાસ્તવિકતા હતી. હિંસામાં ભારે સંખ્યામાં હત્યા અને મતદાન કેન્દ્રો પર કબજો કરવાના સમાચાર અનિવાર્ય ગણાતા હતા. છેલ્લાં કેટલાંક વર્ષોથી માહોલ બદલાયો છે. નક્સલવાદી પ્રભાવિત વિસ્તારોમાં પણ શાંતિથી મતદાન સંપન્ન થયું છે.

લોકતાંત્રિક દેશોમાં કોઈ પણ એવો બીજો દેશ નથી જેની વસ્તી ભારતીય મતદારો જેટલી હોય. આમ છતાં દેશના વિભિન્ન વિસ્તારોમાં વ્યવસ્થિત રીતે ચૂંટણીનું આયોજન ભારતીય ચૂંટણી પંચની વ્યવસ્થાની સફળતા છે. અલગ અલગ ધર્મ, જાતિ, ખાનપાન અને ઔદ્યોગિક વિષમતાઓવાળા દેશમાં શાંતિથી થનારી ચૂંટણી આપણા માટે ગર્વનો વિષય છે અને બીજા દેશો માટે આશ્ચર્યનો.

બે મહિના પહેલાં પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં જે કંઈ બન્યું તે જગજાહેર છે. ચૂંટણીમાં હિંસાચાર, લશ્કરની દખલગીરી અને દાદાગીરી વાસ્તવિકતા છે. લોકશાહી અને ચૂંટણીની નામોશી છે જ્યારે ભારતીય લોકતંત્ર વધુ મજબૂત થવા ભણી અગ્રેસર થઈ રહ્યું છે. એટલું જરૂર છે કે આપણે ત્યાં ચૂંટણીને લઈ પક્ષ-વિપક્ષમાં આરોપ-વળતા આક્ષેપોનો દોર ચાલી રહ્યો છે છતાં પોલીસ તંત્ર અને સંરક્ષકોની દખલ નથી. મતદાન શાંતિપૂર્વક થાય તેની ખાતરી છે. લોકતંત્રનો સાચો અર્થ અભિવ્યક્તિની આઝાદી છે, જે ભારતમાં છે.

વેળા પ્રથમ તબક્કામાં દેશભરમાં સરેરાશ 60 ટકાની આસપાસ મતદાન થયું છે. વિધાનસભા, લોકસભાની ચૂંટણી હોય ત્યારે અનેક નિષ્ણાત મંડળીઓ, રાજકીય વિશ્લેષકો, કલાકારો, મતદાન કરવા માટે આહ્વાન કરતા હોય છે. મતદાનના દિવસે તો દૂરદર્શન, આકાશવાણી, અખબારોમાં મતદાનનું મહત્ત્વ સમજાવાય છે. આવા બધા પ્રયાસોથી છેલ્લાં કેટલાંક વર્ષોમાં મતદાનની ટકાવારીમાં સતત વધારો થયો છે. પરંતુ `સૌથી મોટી લોકશાહી' એવા આપણા દેશના દેશ બાબત આપણે કહેતા હોઈએ છીએ ત્યારે મતદાનમાં હજુ વધુ વધારો થવો અપેક્ષિત છે. સુશિક્ષિત વર્ગમાં મતદાન પ્રતિ ઉદાસીન હોવાનું ફરી સામે આવ્યું છે. પરિસ્થિતિ, માનસિકતા બદલાવી જોઈએ.