• શુક્રવાર, 03 મે, 2024

ઉદ્ધવ ઠાકરેનાં હસીન સપનાં

એક જૂઠાણાને છુપાવવા અસત્યની પરંપરા સર્જવી પડતી હોય છે. `ઉદ્ધવ ઠાકરે થોડા ભ્રમિષ્ટ થયા છે, આદિત્ય ઠાકરેને મુખ્ય પ્રધાન બનાવીને હું દિલ્હી જઈશ, એમ તેઓ કહે છે. તેમની બુદ્ધિ બહેર મારી ગઈ હશે પણ મારી હજી સાબૂત છે,' એવા શબ્દોમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરે પર ટીકા કરી છે. ગયા અઠવાડિયે ઉદ્ધવ ઠાકરેએ ધારાવીમાં જાહેરસભાને સંબોધતાં કહ્યું હતું કે ફડણવીસે 2019માં સત્તા વહેંચણીના ભાગ તરીકે, આદિત્ય ઠાકરેને મુખ્ય પ્રધાન તરીકે તૈયાર કરશે, એમ જણાવ્યું હોવાનો દાવો કર્યો હતો.

ઉદ્ધવ ઠાકરેના ઉદ્ગારને લઈ હવે વિવાદ ઊભો થયો છે. ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ ઠાકરેની ટીકા કરતાં મહારાષ્ટ્રમાં મહાનાલાયક કોણ, એવી સ્પર્ધા થાય તો એમાં ઉદ્ધવ ઠાકરે નિર્વિવાદપણે પ્રથમ આવશે એવા શબ્દોમાં ટીકા કરી છે. 2019ની ચૂંટણીમાં ભાજપ-શિવસેના યુતિને સ્પષ્ટ જનાદેશ હતો. પહેલાં ઉદ્ધવ ઠાકરે કહેતા હતા કે મારે કોઈ સામાન્ય શિવસૈનિકને મુખ્ય પ્રધાન બનાવવો છે. જોકે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ, કૉંગ્રેસના સથવારે તેઓ મુખ્ય પ્રધાન બની ગયા. માટે તેઓ સોનિયા ગાંધી સામે પણ ઝૂક્યા હતા.

આદિત્યને મુખ્ય પ્રધાન બનાવવાની ઉદ્ધવ ઠાકરેની વાત હવામાં ગોળીબાર જેવી છે. આદિત્યને ફડણવીસ તાલીમ આપવાના હતા એવો ઉદ્ધવનો દાવો સાચો માનીએ તો આનો અર્થ કે પ્રધાન તરીકેનો કે વહીવટી તંત્રનો કોઈ અનુભવ હોવાથી મુખ્ય પ્રધાન પોતે યોગ્ય હોવાથી આદિત્યને મુખ્ય પ્રધાન તરીકે તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી?

પરિવારવાદમાં માત્ર પોતાના પરિવારના સભ્યોનો વિચાર કરવામાં આવે છે. શરદ પવારે પણ એવું કહ્યું છે. જોકે પરિવારવાદ અબાધિત રહે માટે દેશના 28 વિપક્ષો `ઇન્ડિ બ્લૉક' નામ હેઠળ એક થયા છે. પરિવારવાદના ઓછાયામાં દેશના અનેક રાજકીય પક્ષો છે અને રાજા-રજવાડાંની જેમ પેઢી દર પેઢી એક પરિવારના સભ્યો સત્તામાં રહે છે.

ઉદ્ધવ ઠાકરેની આસપાસ કેટલાક હજૂરિયા હોય એવી વાતમાં વજૂદ લાગે છે, કેમ કે આવા એક હજૂરિયાએ દાવો કર્યો છે કે `ઇન્ડિ' સરકાર આવી તો ઉદ્ધવ વડા પ્રધાન બનશે. ઉદ્ધવ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા, ત્યારે પણ તેમના નેતૃત્વ વિશે જાતભાતની વાતોનાં વડાં કરાતાં.

પુત્રને મુખ્ય પ્રધાન બનાવવાનો હોય તો અવશ્ય બનાવે, પણ એમાં તેની આવડત અને કુશળતા આધાર હોવી જોઈએ. સામાન્ય શિવસૈનિકને મુખ્ય પ્રધાન બનાવવા છે, વાક્ય મહારાષ્ટ્રની જનતા ભૂલી નથી અને વારંવાર તમારી ભૂલો માફ નહીં કરે. લોકો બધું સમજે છે અને મતદાનના દ્વારા પોતાનો ચુકાદો આપતા હોય છે.