• શુક્રવાર, 03 મે, 2024

વિપક્ષો પાસે કોઈ મુદ્દો જ નથી

રાંચીમાં રવિવારે ઇન્ડિ બ્લૉકની રૅલીમાં સામેલ વિપક્ષ નેતાઓએ એક સૂરમાં ભાજપને હરાવવા અને ગઠબંધનને જિતાડવાની અપીલ કરી હતી. કેન્દ્ર પર સરમુખત્યારશાહીનો આક્ષેપ કરવા સાથે દેશને આમાંથી મુક્ત કરાવવાનો રાગ વધુ એકવાર આલાપ્યો હતો. રૅલીમાં રાહુલ ગાંધી સામેલ થવાના હતા પણ એકાએક બીમાર પડી જવાથી હાજર રહ્યા નહોતા, એવી સ્પષ્ટતા કૉંગ્રેસે કરી હતી.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનીતાએ કહ્યું કે ભાજપ રાજકીય દ્વેષથી પ્રેરાઈ કામ કરે છે અને તેમના નિર્દોષ પતિને જેલમાં નાખ્યા છે. ભાજપ દિલ્હીના મુખ્ય પ્રધાનનો જીવ લેવા ઈચ્છે છે, પરંતુ અમે ગભરાવાના નથી, અમે આપખુદશાહીને મિટાવી દઈશું, લડશું અને જીતીશું. બિહારના વિપક્ષ નેતા તેજસ્વી યાદવે કહ્યું કે કેન્દ્ર સરકાર બંધારણને ખતમ કરવા માગે છે, પણ તેઓ જાણતા નથી કે બંધારણ ખતમ કરવાનું વિચારશો તો જનતા તમને ખતમ કરી દેશે. કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત બીજા નેતાઓનાં પણ ભાષણ થયાં હતાં.

વિપક્ષો પાસે લોકસભાની ચૂંટણીમાં સત્તાપક્ષ સામે અને સત્તાપલટાની માગ કરતા કોઈ નક્કર મુદ્દાઓ હોય એવું નથી લાગતું. કૉંગ્રેસ અને તેના કેટલાક સહયોગી પક્ષોએ છેલ્લા કેટલાક દિવસોથી એક મુખ્ય મુદ્દો બનાવ્યો લાગે છે જેમાં ભાર મૂકે છે કે નરેન્દ્ર મોદી ફરી સત્તા પર આવ્યા તો વેળાની લોકસભાની ચૂંટણી છેલ્લી ચૂંટણી સાબિત થશે અને બંધારણનું પણ બચવું મુશ્કેલ છે. આશ્ચર્યની વાત છે કે જે પક્ષે દેશમાં કટોકટી લાદી, બંધારણમાં મનફાવે એવા સુધારા કરનાર કૉંગ્રેસ હવે લોકતંત્ર અને બંધારણ ભયમાં હોવાનો કાગારોળ કરી રહી છે.

મોદી સરકાર જેલમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલનો જીવ લેવા માગે છે. આરોપો છેલ્લા કેટલાક વખતથી `આપ'ના નેતા અને હવે કેજરીવાલનાં પત્ની કરી રહ્યાં છે. બધા આક્ષેપો નિરાધાર હોવાથી લોકોનું ધ્યાન ખેંચી નથી શક્યા કારણ કે દિલ્હી સરકારના નિયંત્રણ હેઠળનું તિહાર જેલ તંત્ર કેજરીવાલને આપવામાં આવી રહેલાં ભોજન અને દવાઓ વિશે કંઈક અલગ રિપોર્ટ આપી રહ્યું છે. 

રાંચીની રૅલીમાં જ્યાં સુનીતા કેજરીવાલે દિલ્હીના મુખ્ય પ્રધાનને મોદી સરકાર માટે ભય બતાવી સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો છે, ત્યાં ભ્રષ્ટાચારના આરોપ હેઠળ જેલમાં બંધ ઝારખંડના ભૂતપૂર્વ હેમંત સોરેનનાં પત્નીએ એમ કહીને પોતાની તરફેણમાં માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો હતો કે, ભાજપ ફરી સત્તામાં આવ્યો તો આદિવાસી સમાજ માટે મોટો ભય ઊભો થશે. કોઈ નક્કર એજન્ડા વિના માત્ર જૂઠાણા ફેલાવનાર ઇન્ડિ બ્લૉકના આક્ષેપો મતદારોને પ્રભાવિત કરી શકે એવી શક્યતા નથી.