• રવિવાર, 19 મે, 2024

આઈએમએ તમે પણ?  

ભ્રામક જાહેરખબરોનાં પ્રકરણોમાં સુપ્રીમ કોર્ટનું વલણ યથાવત્ રહ્યું અને આ આકરા વલણની વાસ્તવિક અસર પણ દેખાવા લાગી છે. ઉત્તરાખંડ સરકારે પતંજલિ આયુર્વેદની 14 દવાઓનાં લાઈસન્સ રદ કર્યાં છે. સુપ્રીમ કોર્ટની પ્રશંસા કરીએ એટલી ઓછી છે, કેમ કે યોગ્ય રીતે સમજ્યા - વિચાર્યા બાદ જ સજા તરફ તેઓ આગળ વધી રહ્યા છે. સજા સંભળાવવામાં વિલંબ થઈ રહ્યો છે એવું લાગતું હોવા છતાં વાસ્તવમાં કોર્ટ બધા પક્ષોને સુનાવણીની પૂરતી તક આપવા ઈચ્છે છે, જે ન્યાયોચિત પણ છે. કોર્ટ ઔષધિની કથિત ભ્રામક જાહેરખબરોનાં પ્રકરણમાં વ્યાપકતાનો આદર્શ રાખવા ઈચ્છે છે.

કોર્ટે ફરીવાર ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનની ઝાટકણી કાઢી છે. છેલ્લી સુનાવણી વખતે સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે એલોપથિક ડૉક્ટર બિનજરૂરી અને મોંઘી દવા લખે છે. આ ટિપ્પણને ઍસોસિયેશનના અધ્યક્ષે `કમનસીબ' લેખાવી હતી. આઈએમએ જ પતંજલિ આયુર્વેદ વિરુદ્ધ કોર્ટમાં ગયું હતું પણ તેના પર પણ ડાઘ તો છે જ.

સુપ્રીમ કોર્ટે ઍસોસિયેશનના વકીલને સ્પષ્ટ કહ્યું છે કે, વધુ ગંભીર પરિણામો માટે તૈયાર રહો અર્થાત્ ભ્રામક જાહેરખબરો પ્રકરણમાં ન ફકત આયુર્વેદ પણ એલોપથીની દુનિયાને પણ સબક લેવાની આવશ્યકતા છે. ઍસોસિયેશનના અધ્યક્ષે અહંકાર અને દુ:સાહસનું પ્રદર્શન કરતાં ત્યાં સુધી કહ્યું હતું કે કોર્ટ અસ્પષ્ટ અને અપ્રાસંગિક ટિપ્પણ કરી રહી છે અને દેશના ચિકિત્સા વ્યવસાય વિરુદ્ધનું વ્યાપક વલણ અપનાવવું સુપ્રીમ કોર્ટને શોભતું નથી. 

કોરોના મહામારીના કાળમાં તબીબી જગતનો ચહેરો સૌની સામે આવ્યો હતો. દવાઓના કાળાબજાર સમજી શકાય, પણ બિનજરૂરી અને ઉપયોગી ન હોય એવી દવાઓ માટે લોકોને થયેલી દોડધામ અને ખર્ચ વિશે કેમ આઈએમએ કંઈ બોલ્યું નહોતું? લોકહિતમાં હોય એવી બાબતો પર મૂગા રહી સ્વહિત માટે મોટા અવાજે વાત કરવાની નીતિ યોગ્ય નથી.

સર્વોચ્ચ અદાલતે ભ્રામક જાહેરખબરોનાં પ્રકરણોનો યથોચિત વિસ્તાર કર્યો છે. એ બધાં ઉત્પાદનોની તપાસ થવી જોઈએ, કેમ કે ભ્રામક જાહેરખબરો દ્વારા લોકોની છેતરપિંડી થઈ રહી છે. હાલમાં જ કોવિડ વૅક્સિન બનાવનાર બ્રિટિશ દવા કંપની એસ્ટ્રાજેનેકાએ કબૂલ્યું છે કે તેની કોવિડ વૅક્સિન આડઅસર ઊભી કરી શકે છે. વૅક્સિન નિર્માતાએ કોર્ટને કહ્યું છે કે કોવિશિલ્ડની આડઅસર તરીકે લોહીની ગાંઠ જામી શકે છે અને પ્લેટલેટ કાઉન્ટ ઓછા થઈ શકે છે.

એસ્ટ્રાજેનેકાને બ્રિટનમાં કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી રહ્યો છે કે તેમની વૅક્સિનના પગલે અનેક લોકોના જીવ ગયા છે. બ્રિટનની હાઈ કોર્ટે 51 પ્રકરણોમાં પીડિતોને 10 કરોડ પાઉન્ડ સુધીની ભરપાઈની માગ કરી છે. હવે કોવિશિલ્ડનો બચાવ કરવા આઈએમએ મેદાનમાં આવશે?

ઇ-પેપરના નવા શુલ્ક