• શનિવાર, 25 માર્ચ, 2023

વિદેશમાં દેશવિરોધી પ્રલાપ  

કર્ણાટકમાં જાહેરસભાને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસ અને રાહુલ ગાંધીની ઝાટકણી કાઢતાં કહ્યું છે કે કૉંગ્રેસ અને તેના સાથી પક્ષો મારી કબર ખોદવામાં વ્યસ્ત છે. રાહુલ ગાંધીનું નામ લીધા વિના એમણે કહ્યંy કે લોકો લંડનમાં બેસીને ભારતની લોકશાહી સામે સવાલો કરે છે. રાહુલ ગાંધીની લોકશાહી અંગેની ટિપ્પણીને પણ મોદીએ ભારતની જનતાનું અપમાન ગણાવ્યું છે. 

રાહુલે સક્રિય રાજનીતિમાં બે દશકાથી વધુ સમય વીતાવ્યો છે છતાં જ્યાંથી તેઓએ શરૂઆત કરી હતી તેઓ આજે પણ ત્યાં જ ઊભા છે. ભારત જોડો યાત્રા પછી આંતરરાષ્ટ્રીય સ્તર પર તેમને રિ-લૉન્ચ કરવા માટે લંડનમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો ત્યાં તેઓ બેફામ બોલાતા રહ્યા. તેમની વાતો સાંભળીને એવું લાગે કે ભારત જાણે રસાતળ જાય છે. લોકતંત્ર ભયમાં છે, બંધારણીય સંસ્થાઓ ભયમાં છે, સાંસ્કૃતિક અને સામાજિક સમાનતા અને વિવિધતા ભયમાં છે. એકંદરે ભારત ગંભીર સંકટથી પસાર થઈ રહ્યું છે અને વિશ્વ સમુદાય ચૂપચાપ તમાશો જોઈ રહ્યો છે. આ માટે રાહુલ પોકારી રહ્યા છે કે આવો અને અમને બચાવો.

રાહુલ કહે છે કે નરેન્દ્ર મોદી શીખોને દ્વિતીય કક્ષાના નાગરિક માને છે. આનાથી મોટું જુઠ્ઠાણું શું હોઈ શકે? વાત ફક્ત જુઠ્ઠું બોલવાની નથી. આ દુનિયાભરમાં ખાલિસ્તાની તત્ત્વોના હાથમાં હથિયાર આપવા જેવું છે. રાહુલના કહેવા પ્રમાણે શીખ જ નહીં, મુસલમાન પણ મોદીના ભારતમાં દ્વિતીય કક્ષાના નાગરિક છે. આ વાત તો આતંકવાદી સંગઠનો સિવાય દુનિયાનો કોઈપણ મુસલમાન નહીં કહે. બધા એક સ્વરમાં સ્વીકારે છે કે દુનિયામાં કોઈ દેશમાં મુસલમાનો સૌથી વધુ સુરક્ષિત હોય તો તે ભારતમાં છે.

રાહુલ ગાંધીએ લંડનમાં જે કંઈ કહ્યું તે આક્ષેપ અને જુઠ્ઠાણાં વર્ષોથી જ બોલી રહ્યા છે. તેમને લાગે છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર હુમલો કરવાથી તેમના વોટ વધી જશે અથવા મુસલમાનો ખુશ થઈ જશે. આ પ્રયાસમાં તેઓ સંઘની સરખામણી આતંકવાદી સંગઠન મુસ્લિમ બ્રધરહૂડથી કરવામાં પણ સંકોચ નથી રાખતા. કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ માટે તેમની વાતોનું સમર્થન કરવાનું કઠિન હોય છે. રાહુલ સમજતા નથી કે તેઓ ભારતના સ્વાભિમાન પર આઘાત કરી રહ્યા છે. પોતાના આવા વ્યવહારથી તેઓ દેશની યુવા પેઢીથી ખુદને વધુ દૂર લઈ જઈ રહ્યા છે. રાહુલે બતાવવું જોઈએ કે જો ભારતમાં લોકતંત્ર તૂટી રહ્યું હોવાના એમના આક્ષેપ વિદેશી ધરતી ઉપરથી કર્યા તે એમની નિરાશા અને નિષ્ફળતા બતાવે છે.

રાહુલ ગાંધીના સમર્થનમાં દેશભરમાં દેખાવો અને સંસદમાં ધાંધલ મચાવીને કૉંગ્રેસ પક્ષને કેટલો લાભ થશે એ સમય બતાવશે.