દિલ્હીના વિધાનસભ્યોનાં વેતન-ભથ્થાં એક ઝટકામાં 66 ટકા અને પ્રધાનોનાં વેતન 136 ટકા વધી ગયાં છે. દિલ્હીના એક વિધાનસભ્યને હવે માસિક વેતનના રૂપમાં 90,000 રૂપિયા મળશે. અત્યાર સુધી 54,000 રૂપિયા મળતા હતા. વિધાનસભ્યોનું મૂળ માસિક વેતન 12,000 રૂપિયાથી વધારીને 30,000 રૂપિયા થયું છે. મતદાર ક્ષેત્રનું ભથ્થું 18,000 રૂપિયાથી વધારીને 25,000 કરવામાં આવ્યું છે, જ્યારે વાહન ભથ્થું 6000 રૂપિયાથી વધારીને 10,000 કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારમાં પ્રધાનો, વિધાનસભા સ્પીકર અને નાયબ-સ્પીકર, મુખ્ય વ્હીપ ઉપરાંત વિપક્ષના નેતાનું કુલ વેતન 72,000 રૂપિયાથી વધારીને મહિને 1.70 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. તેમનાં વિવિધ ભથ્થાંમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આમ `રેવડી સંસ્કૃતિ'ના જનક `આપ'ના સંસ્થાપકોમાંના એક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ખુલ્લા હાથે વિધાનસભ્યો, પ્રધાનો અને બીજાઓને લહાણી કરી છે.
તર્ક આપવામાં આવે છે કે જનપ્રતિનિધિ પણ દેશના નાગરિક છે અને તેમના પણ પરિવાર છે. તેઓને પણ મોંઘવારીની ચિંતા સતાવે છે. એટલે તેમનાં વેતન-ભથ્થાં વધારવા પર હોબાળો શાને થવો જોઈએ? આ દલીલ સ્વીકાર્ય નથી. સાંસદો અને વિધાનસભ્યોને પોતાનાં વેતન-ભથ્થાં વધારવાનો અધિકાર શા માટે હોવો જોઈએ? દલા તરવાડી જેવી વાત છે!
દેશમાં આઈએએસ અધિકારી હોય કે સરકારી નોકર, કોઈને પણ પોતાનું વેતન વધારવાનો અધિકાર નથી. આ માટે ચોક્કસ પ્રક્રિયા અને તંત્ર હોય છે. શું આવી પ્રક્રિયા સાંસદો-વિધાનસભ્યો માટે ન હોઈ શકે? બીજો સવાલ એ છે કે પ્રક્રિયા અને તંત્ર કોણ બનાવશે? શું સાંસદો-વિધાનસભ્યો પાસે આશા રાખી શકાય કે તેઓ પોતાનાં વેતન-ભથ્થાં વધારવાનો અધિકાર છોડી દેશે? સાંસદો અથવા વિધાનસભ્યોનાં વેતન-ભથ્થાં જ્યારે વધે છે તો ચર્ચા જરૂર થાય છે, પણ કોઈ પરિણામ નથી આવતું. કેન્દ્રએ નિયમ-કાયદા બનાવવાની દિશામાં આગળ વધવું જોઈએ. સાંસદોથી લઈ વિધાનસભ્યોનાં વેતન-ભથ્થાં વધારવા માટે નિશ્ચિત કાયદાકીય જોગવાઈ હોવી જોઈએ.
જોગવાઈ જેમાં બધાં રાજ્યોના વિધાનસભ્યોનાં વેતન-ભથ્થાંમાં વધારાના નિયમ એકસરખા હોય, સાંસદો અને વિધાનસભ્યોનાં વેતન-ભથ્થાં વધારવાની પારદર્શી નીતિ હોવી જોઈએ. સરકારની ઈચ્છાશક્તિ હોય તો સુધારણા સંભવ છે. જનપ્રતિનિધિ ખુદને જનસેવક માને છે, તો તેમણે પોતાના વ્યવહારમાં પરિવર્તન કરવું જ પડશે.