• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

ક્રુ મેમ્બર્સ માટે સબકરૂપ શિક્ષા

ઍર ઈન્ડિયાની ફ્લાઈટમાં સિનિયર સિટિઝન મહિલા પર અન્ય પ્રવાસીએ કરેલી લઘુશંકાની ઘટનાને પગલે એવિએશન રેગ્યુલેટર ડિરેકટર જનરલ અૉફ સિવિલ એવિએશને (ડીજીસીએ) આ ફ્લાઈટના પાઇલટ ઈન કમાન્ડનું લાઇસન્સ સસ્પેન્ડ કરતાં અને ઍરલાઈન કંપનીના ડિરેક્ટર અૉફ ઈન-ફલાઈટ સર્વિસીસને પોતાની જવાબદારીમાં ઊણા ઉતરવા માટે દોષિત ઠેરવ્યા છે અને એક લાખ રૂપિયાનો દંડ કર્યો છે. આવું પહેલીવાર બન્યું છે જ્યારે ડીજીસીએએ ફ્લાઈટ દરમિયાન કોઈ પ્રવાસીના અભદ્ર વર્તનને કારણે કોઈ ઍરલાઈન કંપનીને આ પ્રકારનો દંડ ફટકાર્યો હોય. 

આ ઘટનામાં રેગ્યુલેટરી સત્તાવાળાએ લીધેલા નિર્ણય પાછળ તમામ ઍરલાઈન્સ કંપનીઓને આ પ્રકારની ઘટનાઓ અંગે સંદેશ આપવાનો આશય છે. સંદેશ એ છે કે, આ પ્રકારના બનાવોને લઈ તેઓ પોતાના ક્રુ મેમ્બર્સને વાકેફ કરે. આની સાથે તેણે એ પણ સંદેશ આપ્યો છે કે, જો આ પ્રકારની ઘટના આગળ બને છે તો તેમાં ઍરલાઈન કંપનીને પણ દોષિત ગણવામાં આવશે.

ઍર ઈન્ડિયાને સાંકળતા પ્રકરણમાં ઍરલાઈન્સના ક્રુ સભ્યોને લઈ ગંભીર સવાલ થયા હતા. સામાન્ય માન્યતા એવી છે કે ક્રુ મેમ્બર્સે તત્પરતા દાખવી હોત તો આ શરમજનક ઘટના અટકાવી શકાઈ હોત. આ વાત વાજબી છે કારણ કે, પ્રવાસીઓના અભદ્ર વર્તનને ફ્લાઈટમાં રોકવાની મુખ્ય જવાબદારી તેમની હોય છે. આમ તો ડીજીસીએએ દંડ કર્યા પછી કંપનીએ પણ સકારાત્મક સંદેશ આપ્યો છે. ઍરલાઈન્સ કંપનીનું કહેવું છે કે, આ રેગ્યુલેટરના આદેશને સમજવાનો પ્રયાસ કરી રહી છે.

કંપનીનું માનવું છે કે આ પ્રકરણ ફરિયાદ નોંધાવવામાં તેમનાથી ચૂક થઈ હતી. આ બાબત તેમણે સ્વીકારી છે. ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પગલાં પણ લઈ રહી છે. આ સાથે ઍર ઈન્ડિયાના પ્રવાસીઓ દ્વારા ખરાબ વર્તન વિશે ક્રુ મેમ્બર્સને નિયમો અનુસાર શું કરવું જોઈએ એ પણ સમજાવી રહી છે. તેમને એનું પણ માર્ગદર્શન કરવામાં આવી રહ્યું છે કે આવી સ્થિતિને કેવી રીતે હાથ ધરવી જોઇએ. જોકે, કંપનીએ આ બનાવ પછી લઘુશંકા કરનારી વ્યક્તિ પર ચાર મહિના વિમાન પ્રવાસ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

વાસ્તવમાં પ્રવાસીઓના અભદ્ર વર્તન પર ઍરલાઈન કંપનીના નિયમ સ્પષ્ટ છે અને આ નિયમોનું ક્રુ મેમ્બર્સ દ્વારા પાલન થવું જોઈએ. તાજો નિર્ણય ભલે ઍર ઈન્ડિયાને લઈને રેગ્યુલેટર દ્વારા આપવામાં આવ્યો હોય, પરંતુ આ અન્ય ઍરલાઈન્સ કંપનીઓ માટે પણ ઉદાહરણનું કામ કરશે.