• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

ભારત-ઈજિપ્ત સહયોગ

26મી જાન્યુઆરીએ દિલ્હીના કર્તવ્ય પથ પર થનારા પ્રજાસત્તાક દિન સમારોહમાં ઈજિપ્તના 120 સભ્યોના માર્ચિંગ દળની પરેડ જોવા મળશે. સમારોહમાં ભાગ લેવા માટે ઈજિપ્તના પ્રમુખ અબ્દેલ ફત્તાહ અલસીસી ભારત આવશે. આજથી શરૂ થનારી એમની ભારત મુલાકાત બંને દેશોના રાજદ્વારી  સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત તરીકે જોવામાં આવે છે. મુસ્લિમ રાષ્ટ્ર હોવા છતાં ઈજિપ્તે પાકિસ્તાની પ્રચાર સામે ભારતને સમર્થન આપ્યું છે. તાજેતરમાં નુપૂર શર્માના વિવાદમાં પાકિસ્તાને ઇસ્લામી રાષ્ટ્રોના સંગઠનમાં પ્રચાર કરવાના પ્રયાસ ઈજિપ્તે નિષ્ફળ બનાવ્યા અને ભારતવિરોધી નિવેદન કરવાનો પણ સાફ ઈનકાર કર્યો. પાકિસ્તાન અને ચીન સાથે સંબંધ હોવા છતાં ઈજિપ્તે અલિપ્ત રહીને ભારત સાથે મૈત્રી ગાઢ બનાવી છે. પ્રજાસત્તાક દિન સમારોહના વિશેષ અતિથિ ઈજિપ્તના પ્રમુખ અબ્દેલ ફત્તાહ અલસીસીના ભારત આગમન સાથે બે જૂના મિત્ર-દેશો ફરીથી મૈત્રીસંબંધ ગાઢ બનાવી રહ્યા છે. આઝાદી પછી બે છાવણીમાં વહેંચાયેલા વિશ્વમાં `અલિપ્ત' રહેવાની શરૂઆત નેહરુ અને ઈજિપ્તના નાસરે કરી હતી. પાછળથી ઘાનાના એનકુમાહ અલિપ્ત જૂથમાં જોડાયા હતા.

ચીનના પ્રમુખ સી જિનપિંગે કૈરોની મુલાકાત લઈને બેલ્ટ ઍન્ડ રોડ પ્રોજેક્ટ તથા ઈજિપ્તના રમાદાન શહેરની રેલવે યોજના આર્થિક ઝોન વગેરે ઝડપી બનાવવાની ખાતરી આપી છે, પણ ઈજિપ્ત સંબંધની સમતુલા જાળવે છે. ભારત સાથે લશ્કરી સંબંધ-સહયોગ ઉપરાંત વ્યાપાર ઝડપથી વધી રહ્યો છે. પ્રમુખની ભારત મુલાકાત પછી સંબંધ વધુ ગાઢ બનશે.

ઈજિપ્તના પ્રમુખની આ મુલાકાત એ માટે પણ મહત્ત્વપૂર્ણ છે કે ભારત-ઈજિપ્ત આ વર્ષે પોતાના રાજદ્વારી સંબંધની 75મી વર્ષગાંઠ ઊજવી રહ્યું છે. છેલ્લાં ઘણાં વર્ષોથી બંને દેશ સંરક્ષણ અને કૃષિ ક્ષેત્રમાં સહયોગ વધારવા પર ભાર મૂકી રહ્યા છે.

બેંગલુરુમાં આવતા મહિને થનારા ઍરો-ઈન્ડિયા પ્રદર્શનમાં પણ ઈજિપ્તને આમંત્રિત કરવામાં આવ્યું છે. બંનેની પ્રાચીન સંસ્કૃતિનો ઈતિહાસ પણ સદીઓ જૂનો છે. બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટનથી સ્વતંત્ર થયેલા બંને દેશોએ અલિપ્ત દેશોના ગ્રુપનો ધ્વજ લહેરાવ્યો અને સંરક્ષણ સ્વાયત્તતાનો પાયો નેહરુ અને ઈજિપ્તના નાસરે નાખ્યો. એશિયા, આફ્રિકા અને યુરોપ મહાદ્વીપના સંગમ પર વસેલો ઈજિપ્ત સૌથી મોટો આરબ દેશ છે. પશ્ચિમ એશિયામાં તેનો ખાસ્સો દબદબો છે.

ભારત `લુક વેસ્ટ' નીતિ અંતર્ગત પશ્ચિમ એશિયા અને આફ્રિકામાં સંભાવનાઓનાં નવાં દ્વાર ખોલવાં ઈચ્છે છે. આ માટે પણ ઈજિપ્તને મહત્ત્વ અપાય છે. બંને દેશોના સંબંધોમાં નવો વળાંક 2014માં આવ્યો હતો, જ્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઈજિપ્તમાં અલસીસીએ સત્તા સંભાળી. તેમના કાર્યકાળમાં ભારત-ઈજિપ્ત વચ્ચે દ્વિપક્ષીય વ્યાપારમાં ઉલ્લેખનીય વૃદ્ધિ થઈ છે.

આતંકવાદ વિરુદ્ધના ભારતના વૈશ્વિક અભિયાનને પણ ઈજિપ્તનું સમર્થન છે. ઈસ્લામિક દેશના પ્રભાવશાળી અવાજ માનવામાં આવતા ઈજિપ્તે આ દેશોના સંગઠનમાં અનેક વેળા આતંકવાદને લઈ પાકિસ્તાનની નીતિઓનો વિરોધ કર્યો છે. સ્પષ્ટ છે કે સંયુક્ત યુદ્ધ અભ્યાસથી બંને દેશોની સેનાઓની સંસ્કૃતિ અને માનવ સંબંધ સાથે બંને દેશો વચ્ચે સેના સહયોગ વધારવા અને રાજનીતિક સંબંધો શક્તિશાળી બનાવવામાં મદદ મળશે. એટલું જ નહીં, રાષ્ટ્રપતિ અલસીસીની મુલાકાતથી જ અનેક દેશોને સંદેશ જશે કે ભારત ઈજિપ્ત સહિત તમામ મુસ્લિમ દેશો સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર અને શક્તિશાળી સંબંધોનો હિમાયતી છે.