• શનિવાર, 27 જુલાઈ, 2024

ચૂંટણી પ્રચારમાં સંયમ આવશ્યક

ચૂંટણી પંચે ભાજપ અને કૉંગ્રેસને ટકોર કરી છે કે ચૂંટણી પ્રચારમાં ધાર્મિક મુદ્દા, જ્ઞાતિ, સમુદાય તથા ભાષા જેવી બાબતોનો ઉપયોગ કરે નહીં. ચૂંટણી પંચે એમ પણ નોંધ્યું છે કે પક્ષોએ ચૂંટણીલક્ષી લાભ ખાતર તેમના સામાજિક-સાંસ્કૃતિક માહોલને નુકસાન નહીં પહોંચાડવું જોઈએ. પંચે ઉમેર્યું છે કે દેશના બે મોટા પક્ષો મતદારોના ગુણવત્તાપૂર્ણ ચૂંટણી અનુભવના વારસાને નબળો પાડી શકે નહીં.

લોકસભાની ચૂંટણીના પાંચ તબક્કા ચૂંટણી પંચના પ્રયાસોથી શાંતિપૂર્વક પાર પડયા છે, પરંતુ અત્યાર સુધીની ચૂંટણીમાં એક બાબતની કમી ખટકે છે, પ્રચાર દરમિયાન રાજકીય મર્યાદા. ચૂંટણી હવે આખરી તબકકામાં છે, ત્યારે નેતાઓની ભાષા ઉપર સંયમ નથી. બીજા નેતાઓના ખાનગી જીવનમાં ડોકિયું કરતા, ધાર્મિક ભાવનાઓને ઉશ્કેરનારાં ભાષણો કરે છે તે વાંધાજનક અને લોકતંત્ર માટે ઘાતક પણ છે. ચૂંટણી પંચ નોટિસો આપે છે પણ નેતાઓ પર તેની ખાસ અસર થતી નથી. રાહુલ ગાંધીની `શક્તિની વિરુદ્ધ લડાઈ' સંબંધી ટિપ્પણી શક્તિથી સંકળાયેલા ધાર્મિક મૂલ્યોના અપમાન કરવા અને કેટલાક ધાર્મિક સમુદાયના તુષ્ટીકરણ માટે ધર્મોની વચ્ચે વેરભાવના પેદા કરવાના દુર્ભાવનાપૂર્ણ ઈરાદા દર્શાવે છે. પ્રારંભમાં લાલુપ્રસાદ યાદવનો વડા પ્રધાન `વોટ પોલ' પર પારિવારિક વિષયક આક્ષેપ હતો. કૉંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતેએ કંગના રાણાવતને લઈ કરેલી પોસ્ટમાં એકટ્રસ માટે અભદ્ર ટિપ્પણ મહિલા શક્તિનું અપમાન નહીં તો શું છે? આજે પપ્પુ, શહજાદા, શહેનશાહ, ચોર જેવા શબ્દ રાજકારણમાં ઘૂસી ચૂકયા છે.

એક સમય હતો જ્યારે દેશ રાજકારણમાં સંયમિત ભાષા અને અનુશાસિત બોલ મહત્ત્વપૂર્ણ અંગ હતા. કહેવાતું હતું કે લોકતંત્રમાં નેતાઓની બોલબાલા હોય છે, જેમની  ભાષા અને વચનો પર મજબૂત પકડ હોય છે. ધીરે ધીરે બદલાવ આવતો ગયો, એવી રીતે નેતાઓની ભાષા અને આક્ષેપ - વળતા આક્ષેપોની શૈલી પણ બદલાતી ગઈ છે. નેતાઓનાં નિવેદન શાલીનતા અને મર્યાદાની બધી સીમા વટાવી રહ્યાં છે.

કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન પણ ઘણું બધું બોલી ચૂકયા છે અને તેમનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના રાવણવાળું નિવેદન ખૂબ ચર્ચામાં રહ્યું છે. મતદારોને આકર્ષિત અને પોતાના પક્ષમાં કરવાના ચક્કરમાં  રાજકારણને ધિક્કારમાં ધકેલવાની જાણે હોડ લાગી છે. હવે જ્યારે લોકસભાની ચૂંટણીના બે તબક્કા રહ્યા છે ત્યારે કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને નોટિસ આપી ચૂંટણી પંચે ભાષણોની મર્યાદામાં રહેવાનું કહ્યું છે. આશા રાખીએ કે બધા પક્ષો આને ગંભીરતાથી લેશે અને સિયાસતમાં ઘૂસી રહેલી ગંદકી દૂર થઈ જશે.

ઇ-પેપરના નવા શુલ્ક