• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

બાળાસાહેબ સ્મારક : સંયમ જરૂરી

શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેના પક્ષનું વિભાજન થયા પછી નામ અને નિશાનનો વિવાદ ચૂંટણી પંચ સમક્ષ છે અને વિધાનસભ્યોની બહુમતી મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સાથે છે કે નહીં તેની ચકાસણી વિધાનસભાના સ્પીકર કરી રહ્યા છે ત્યારે શિવાજી પાર્કમાં બાળાસાહેબને શ્રદ્ધાંજલિ આપવાના વિવાદમાં બંને જૂથના કાર્યકરો સામ-સામે આવી ગયા અને ધક્કા-મુક્કી થઈ પણ સદ્ભાગ્યે પોલીસે સમયસર દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડયો પણ આ ઘટના કમનસીબ અને ખેદજનક છે. મુખ્ય પ્રધાન શિંદેએ કહ્યું કે ગરબડ થાય નહીં એ માટે અમે સંસદસભ્યો અને વિધાનસભ્યો સાથે ઘટના સ્થળે ગયા હતા અને બાળાસાહેબને શ્રદ્ધાસુમન સમર્પિત કરીને નીકળી ગયા હતા. આ પછી અન્ય કાર્યકરોએ આવીને ધમાલ કરી, સૂત્રો પોકાર્યા તે ખોટું ર્ક્યું છે. 

ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ પણ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ લેખાવી, છતાં કહ્યું કે `સામી બાજુએથી સૂત્રો પોકારાયાં હશે'- પણ મને ખબર નથી. જોકે, જે લોકો બીજાના પિતાનું નામ ચોરી જતા હોય એમને બાળાસાહેબનું નામ વાપરવાનો અધિકાર નથી.

શિંદે સેનાના નેતા કૃષ્ણા હેગડે કહે છે કે સંસદસભ્ય અનિલ દેસાઈ અને વિધાનસભ્ય અનિલ પરબ કાર્યકરો સાથે આવ્યા અને ધમાલ મચાવી.

બંને જૂથના નેતાઓ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા હોય તો પછી જવાબદારી એકબીજા ઉપર ઢોળવાને બદલે કાર્યકરોને સંયમ જાળવવાની સલાહ આપવી અથવા તાકિદ કરવી જોઈએ. વિશેષ કરીને બાળાસાહેબના નામે- એમની પ્રતિમા સામે તો સંયમ-શિસ્ત જળવાય તે જરૂરી છે. જે લોકો શિવસેનાના એક પણ જૂથમાં હોય નહીં પણ મતદાર હોય એમને પણ શ્રદ્ધાસુમન સમર્પિત કરવાનો અધિકાર છે તેથી ધમાલ થાય નહીં તેની જવાબદારી બંને જૂથની છે.

મહારાષ્ટ્રમાં રાજકારણ બિહાર છાપ બની રહ્યું છે ખરું? પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કહે છે કે બે-પાંચ અપવાદ બાદ કરતાં એકંદરે રાજકીય શિસ્ત છે પણ સંયમ અને શાંતિની જવાબદારી તમામ પક્ષોના નેતાઓની પણ છે.

દરમિયાન ઉદ્ધવ ઠાકરે જૂથના એક નેતાએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને પક્ષના કાર્યકરોને ધમકી આપી તે બદલ ફરિયાદ નોંધાવી છે. પોલીસના જણાવ્યા મુજબ સોલાપુર ખાતે વિડિયો તૈયાર કરીને ધમકી આપવામાં આવી હોવાથી કેસ સોલાપુર ખાતે ટ્રાન્સફર થયો છે.

એક પરિવાર પક્ષમાં ભંગાણ પડે ત્યારે કાર્યકરોના પરિવારમાં પણ ભંગાણ પડે છે. રાજકારણ વ્યાપક બને છે. ધાક-ધમકી અને હિંસાના બનાવ પણ બને છે. મૂળ રાજકીય નેતાઓ સંયમ જાળવે તો કાર્યકરો અનુસરણ કરવા પ્રેરાય તે સ્વીકારવું જોઈએ.