વંચિત બહુજન આઘાડીના પ્રકાશ આંબેડકર અને શિવસેનાના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથની યુતિ થયાનું પત્રકાર પરિષદમાં જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, આના બે દિવસમાં જ શિવસેનાના સંજય રાઉત અને પ્રકાશ આંબેડકરમાં વાક્યુદ્ધ જોવા મળ્યું. રાષ્ટ્રવાદીના સર્વેસર્વા પણ આ યુતિથી અને આંબેડકરના કેટલાંક નિવેદનોથી ખુશ ન હોવાની વાતને લઈ આંબેડકર-ઠાકરે યુતિના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઊભો થયો છે.
રાજ્યમાં રાજકીય ગરમી સર્જતા ઘટનાક્રમ વચ્ચે એનસીપી નેતા શરદ પવારે જણાવ્યું છે કે, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ, કૉંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેનાં નેતૃત્વ હેઠળની શિવસેના એવી આઘાડીની ચર્ચા થઈ છે અને આગામી ચૂંટણીમાં અમે બધા એક થઈ લડીશું એવો અમારો મત છે. વંચિત બહુજન આઘાડી સાથે યુતિ કરવા અંગે અમારી પાસે કોઈ પણ પ્રસ્તાવ નથી, તેને લઈ અમે ચર્ચા કરીશું નહીં. તેની સાથોસાથ આઘાડીનો પ્રસ્તાવ અમારી સમક્ષ નહીં હોવાથી કોને કેટલી બેઠકો ફાળવવામાં આવશે તેના પર ચર્ચા થઈ શકે નહીં. `વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરતા નથી. હું હોત તો મેં પણ એ જ કર્યું હોત.' એવું વક્તવ્ય પ્રકાશ આંબેડકરે કર્યું હતું. તેનો ઉત્તર આપતાં પવાર કહે છે કે, કોણ શું બોલે છે તેના પર અમે ધ્યાન આપતા નથી, પણ અમારો અનુભવ છે કે, કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ થાય છે.
પ્રકાશ આંબેડકરે એક ચૅનલને આપેલા ઈન્ટરવ્યૂમાં શરદ પવાર પણ આજે ભાજપ સાથે છે એવું ખળભળાટ મચાવનારું વિધાન કર્યું હતું. આ પછી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને શિવસેનાના મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે આંબેડકરની ટીકા કરી હતી. આ ટીકાનો ઉત્તર આપતાં આંબેડકરે કહ્યું કે, મને સલાહ આપનારા સંજય રાઉત કોણ? મારી યુતિ ઉદ્ધવ ઠાકરે સાથે થઈ છે. હું તેની સલાહ સાંભળીશ, પણ બીજા કોઈએ મને સલાહ આપવી નહીં. આનો વળતો જવાબ આપતાં રાઉતે કહ્યું કે, હું કોણ એ ઉદ્ધવ ઠાકરે નક્કી કરશે. વાસ્તવમાં આંબેડકરે ઠાકરે સાથે યુતિ કરી છે, આઘાડી સાથે નહીં એવું બયાન આપતાં આઘાડીની અંદર ભારે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. ચૂંટણી આવી તો કોના ક્વૉટામાંથી આંબેડકરને બેઠકો ફાળવવામાં આવશે તેનો કોઈ ફોડ ઠાકરેએ પાડયો નથી. એટલે કે વંચિતની આઘાડી સાથે યુતિ નથી. લાગે છે કે, શરદ પવાર સાથે કૉંગ્રેસને વૈચારિક મતભેદ હોવા છતાં આ બંને સાથીદારોનો હાથ ઘટ્ટ પકડીને ઉદ્ધવ ઠાકરે વંચિતના રૂપમાં નવો ભેરુ મહાવિકાસ આઘાડીમાં લાવવા ઈચ્છે છે. જેને લઈ ચૂંટણીમાં પણ ભૂતકાળમાં વંચિત અને એમઆઈએમ યુતિને જેમ મર્યાદા હતી, એવી જ મર્યાદા વંચિત અને ઠાકરે જૂથની પણ છે. તેની જાણ આંબેડકરને હશે જ. તેને લઈ કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી સાથેનો જૂનો રાગદ્વેષ ઉખેડવાનો કોઈ અર્થ નથી.