• શનિવાર, 25 માર્ચ, 2023

અજાતશત્રુ મોભીની વિદાય

સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મોભી, અગ્રિમ પંક્તિના ઉદ્યોગપતિ અને દાનવીર દામજીભાઈ લાલજી એન્કરવાલાનાં અવસાનથી જન્મભૂમિ અખબાર જૂથની સાથે કચ્છી - ગુજરાતી સમાજ અને રાષ્ટ્રને ન પૂરી શકાય એવી ખોટ પડી છે. જીવદયા, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સેવાકાર્યોને સમર્પિત દામજીભાઈ અજાતશત્રુ વ્યક્તિત્વના સ્વામી હતા. નિરંતર સક્રિય રહીને છેલ્લા શ્વાસ સુધી કચ્છની - દેશની ચિંતા કરતા રહ્યા છે. જીવદયા અને પરોપકારની ભાવના તેમનામાં ભારોભાર ભરી પડી હતી. કચ્છ કે ગુજરાત ઉપર જ્યારે જ્યારે કુદરતી સંકટ આવ્યું ત્યારે વહારે દોડી આવીને હજારો માનવીઓ - પશુઓને હૂંફ પૂરી પાડી છે. તેમણે કરેલાં સેવાકાર્યોનો ઇતિહાસ ગૌરવવંતો અને પ્રેરણાદાયી છે. યોગાનુયોગ મહાત્મા ગાંધીની પુણ્યતિથિના દિવસે જ અહિંસાના પૂજારી એવા દામજીભાઈનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. દામજીભાઈનાં જીવન અને કર્તવ્યમાં ડોકિયું કરીએ તો પૂ. મહાત્મા ગાંધીના આદર્શો માટેની ખેવના પ્રતિબિંબિત થાય છે. 

આજે ગતિનો જમાનો છે. નવી ટેક્નૉલૉજીનો આવિષ્કાર થઈ રહ્યો છે, સોશિયલ મીડિયાનું ચલણ ખૂબ વધ્યું છે. આવા પડકારભર્યા સમયગાળામાં દામજીભાઈએ જન્મભૂમિ ગ્રુપનું સૂત્ર સંચાલન પૂરી કુશળતા અને કુનેહથી સંભાળ્યું છે.

સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ચૅરમૅન એમિરેટ્સ અને પદ્મભૂષણ પ્રવીણચંદ્ર વ. ગાંધીનું 9મી માર્ચ, 2010ના અવસાન થયું એના લગભગ 13 વર્ષે સંસ્થાને મોટો આઘાત લાગ્યો છે. દામજીભાઈની 1990માં સૌરાષ્ટ્ર ટ્રસ્ટનાં ટ્રસ્ટીપદે નિયુક્તિ થઈ હતી. એ પછી 29મી નવેમ્બર, 2008ના રોજ પ્રવીણચંદ્ર ગાંધીએ વય અને સ્વાસ્થ્યને લીધે નિવૃત્ત થવાની ઇચ્છા વ્યક્ત કરતાં ટ્રસ્ટી મંડળે માનદ્દ અધ્યક્ષપદે યથાવત્ રાખીને દામજીભાઈ શાહને ચૅરમૅન તથા પ્રદીપભાઈ ચિનાઈને મૅનેજિંગ ટ્રસ્ટીપદે સર્વાનુમતે નિયુક્ત કર્યા હતા. દામજીભાઈએ સફળ ઉદ્યોગપતિ તરીકેનો અનુભવ અને હૃદયનાં ઊંડાણ સુધી ભરેલા સેવાભાવના સંમિશ્રણ સાથે જન્મભૂમિ પત્રોનું સંચાલન સંભાળીને અખબારોની ખ્યાતિ વિસ્તારી છે. વાચકમિત્રોને એ જણાવવાની રજા લઇએ કે આજનું મીડિયા જગત ગળાંકાપ સ્પર્ધાને લીધે બદનામ થઇ રહ્યું છે... નીતિમત્તા અને મૂલ્યોનાં ધોવાણની ફરિયાદ વ્યાપક છે, ત્યારે દામજીભાઈએ જન્મભૂમિ, ફૂલછાબ, કચ્છમિત્ર અને વ્યાપારની ટીમને સભ્ય અને નિષ્પક્ષતા સાથે હકારાત્મક પત્રકારત્વનો મંત્ર આપ્યો હતો, જેને આખું ગ્રુપ અનુસરી રહ્યું છે. જન્મભૂમિ પત્રો અને દામજીભાઈનાં જ્ઞાન, અનુભવ અને દીર્ઘદૃષ્ટિનો લાભ મળ્યો. સ્પર્ધાના પડકારોને પહોંચી વળવાની સાથે એમણે કચ્છમિત્ર સહિતના જન્મભૂમિ પત્રોના વિકાસ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

જન્મભૂમિ પત્રો લોકકલ્યાણ અને લોકલક્ષી પત્રકારત્વને વરેલા છે. વાચકોને સાચી ખબર અને વિશ્લેષણ પહોંચાડવા ઉપરાંત કુદરતી આપત્તિ હોય કે દેશના દુશ્મને આક્રમણ કર્યું હોય ત્યારે દેશસેવા, સમાજસેવા કરવામાં કદી પાછું વળીને નથી જોયું. મુ. પ્રવીણચંદ્ર ગાંધીનાં અધ્યક્ષપદ દરમિયાન તેમણે અને દામજીભાઈએ ખભેખભા મિલાવીને નોંધપાત્ર પ્રદાન કર્યું. કારગિલ યુદ્ધ વખતે દેશભક્તિ ભંડોળને ભારતભરમાં સૌથી વધુ પ્રતિસાદ અને અનુદાન મળ્યાં, એની પાઈએ પાઈનો સદ્ઉપયોગ થાય એ સુનિશ્ચિત કરવામાં આવ્યું. 

ધરતીકંપ વખતે કચ્છમાં પાંચ ગામનું પુનર્વસન કર્યું, એ પહેલાં 1998નાં કંડલા વાવાઝોડાં વખતે કચ્છના કાંઠાળ વિસ્તારમાં ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું હતું, ત્યારે પ્રવીણચંદ્રભાઈ સાથે દામજીભાઈએ કંઠીપટ્ટની વાડીઓ ખૂંદીને ખેડૂતોનાં આંસુ લૂછયાં હતાં. એ પછી સાડાઉસ્થિત કૃષિવિજ્ઞાન કેન્દ્રને રૂા. 2પ લાખનું અનુદાન આપીને ખારેક ટિસ્યુ કલ્ચર લેબની સ્થાપના કરી હતી. છેલ્લે કોરોના સંક્રમણ વખતે પણ કચ્છ, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્રમાં જરૂરતમંદોને રૅશનકિટ અને ભોજન પૂરું પાડવાની કામગીરી સૌરાષ્ટ્ર ટ્રસ્ટે હાથ ધરી એની પાછળ દામજીભાઈની દૃષ્ટિ હતી.

જન્મભૂમિ પત્રોને દામજીભાઈની બહુમુખી પ્રતિભાનો લાભ મળ્યો છે. કચ્છ, ગુજરાત, મુંબઈમાં આરોગ્ય, જીવદયા, માનવસેવા અને શિક્ષણની અનેકવિધ સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા રહ્યા છે. કુંદરોડીના સપૂત હોવાના નાતે દામજીભાઈને કચ્છ ઉપર વિશેષ અનુરાગ રહ્યો છે. જીવદયા, સર્વે જીવ પ્રત્યે અનુકંપા તેમના ધર્મિષ્ઠ સ્વભાવની તાસીર હતી. તેમનાં મુખ્ય અનુદાનથી પ્રાગપર ખાતે સ્થાપિત એન્કરવાલા અહિંસાધામ હજારો અબોલ પશુઓને નવું જીવન પ્રદાન કરવામાં કે રોગમુક્ત કરવામાં નિમિત્ત બની રહ્યું છે. બિદડા સર્વોદય ટ્રસ્ટ, સર્વ સેવા સંઘ, માધાપર સ્થિત નવચેતન અંધજન મંડળ, મસ્કાની એન્કરવાલા હૉસ્પિટલ જેવી સંસ્થાની સેવાપ્રવૃત્તિ વિસ્તારવા માટે દામજીભાઈ પરિવારે દાનની ગંગા વહેતી રાખી છે. કચ્છમાં હાઈ સ્કૂલ કક્ષાએ ક્રિકેટને પ્રોત્સાહન આપવા રમાતી ક્રિકેટ સ્પર્ધાને તેમનું પીઠબળ મળ્યું છે. આ સિવાય પણ તેઓનું અનેકવિધ શિક્ષણ, આરોગ્ય, સેવા સંસ્થાઓમાં યોગદાન રહ્યું છે.

1986-88ના ભીષણ દુષ્કાળ અને એ પછી પણ કચ્છ ઉપર આવેલાં અછતનાં સંકટ વખતે દામજીભાઈએ લાખો પશુઓની સંભાળ લીધી છે. આ લખનારને તેમની અમીદૃષ્ટિનો અનુભવ છે. તેઓ આંખ મીંચીને કંઇ ન કરતા...બધુ પારખી, સમજીને લાંબા ગાળાની દૃષ્ટિથી અમલમાં મૂકતા.

કચ્છ માટે નર્મદા યોજના સાકાર થાય એ સપનું દામજીભાઈએ પરિશ્રમથી સાકાર કર્યું હતું. કચ્છ જળસંકટ નિવારણ સમિતિના તેઓ માર્ગદર્શક અને સક્રિય સેનાની હતા. એટલું જ નહીં, 1990ના અરસામાં નર્મદાવિરોધી પરિબળો આ પરિયોજના રોકવામાં સફળ થાય એવો અંદેશો હતો, ત્યારે ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન ચીમનભાઈ પટેલના ઇશારે મુંબઈમાં દોઢ લાખ કચ્છી - ગુજરાતીઓની રૅલી યોજીને આખી યોજના બચાવી લીધી હતી. ઝુઝારુ વ્યક્તિત્વના સ્વામી દામજીભાઈ ચુસ્ત જૈન શ્રાવક હતા અને ધાર્મિક નિયમોને અનુસરતા. સંત મેકણદાદામાં તેમને આસ્થા. ધ્રંગના મેકણધામનાં નવનિર્માણમાં દામજીભાઈનું અમીટ યોગદાન રહ્યું છે.

તેમની વિદાયથી સૌરાષ્ટ્ર ટ્રસ્ટનાં અખબારોએ માર્ગદર્શક મોભી ગુમાવ્યા છે. દામજીભાઈ સદાય કહેતા.. આપણે જે કમાઇએ છીએ, મેળવીએ છીએ એમાં સમાજનોય હિસ્સો હોવો જોઇએ. આ વાતને તેમણે જીવનમાં આત્મસાત કરી હતી. સાલસ સ્વભાવના દામજીભાઈએ જન્મભૂમિ પત્રોના તમામ કર્મચારીઓનાં ક્ષેમકુશળની હંમેશાં ચિંતા રાખી હતી. ઇશ્વર આ મહાન આત્માને ચિરશાંતિ આપે એવી નતમસ્તક પ્રાર્થના...