• શનિવાર, 25 માર્ચ, 2023

હિન્દુઓને હળવાશથી ન લો

`લવ જિહાદ' અને `ધર્માંતરણ વિરોધી' કાયદો બનાવવાની મુખ્ય માગણીને લઈ મુંબઈમાં હિન્દુ સમાજની અનેક સંસ્થાઓએ સાથે મળીને સકળ હિન્દુ સમાજના નેજા હેઠળ ચાર કિલોમીટર લાંબો મોરચો કાઢ્યો હતો. મોરચામાં સામેલ લોકોએ `લવ જિહાદ', `ધર્માંતરણ' અને ધર્મના નામે જમીન હડપનારાઓ વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. આમાં રાષ્ટ્રીય સેવક સંઘ, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, ભાજપ અને શિવસેના શિંદે જૂથના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

સકલ હિન્દુ સમાજના નેજા હેઠળ કાઢવામાં આવેલો આ હિન્દુ મોરચો મુંબઈમાં નીકળેલો પ્રથમ મોરચો નથી અને છેલ્લો પણ નહીં હોય. કોઈપણ પ્રકારની ધાંધલ ધમાલ વગર પાર પડેલા આ મોરચા પછી આવા પ્રકારના મોરચા કાઢી શકાય એ ફરી પુરવાર થયું. સમાજની માગણી પ્રત્યે સરકારનું ધ્યાન ખેંચવા માટે મોરચાનું શત્ર ઉગામવું લોકશાહી માટે નવું નથી, પરંતુ સકલ હિન્દુ સમાજના મોરચાએ બધા સમાજોને નવેસરથી વિચાર કરતા કરી મૂકયા છે. કારણ કે હિન્દુઓને આ રીતે શેરીઓમાં ઉતરવાની આદત નથી, પરંતુ હવે આવું અવારનવાર થવાની શક્યતા ખરી.

હિન્દુ સમક્ષ લવ જિહાદનો એકમાત્ર પ્રશ્ન નથી. પણ તેમની અસ્મિતાને ઠેસ પહોંચાડે એવી અનેક ઘટનાઓ બને છે અને તે સંબંધિત અનેક પ્રશ્નો તેમની સમક્ષ છે. બદલતા સમય અનુસાર હિન્દુઓ સમક્ષના પ્રશ્નો પણ બદલાયા છે. તાજેતરમાં કાઢવામાં આવેલા મોરચાનું આયોજન કરવાની પ્રેરણા સુધ્ધાં સમકાલીન પ્રશ્નોના ઉત્તરોની શોધ પ્રક્રિયા જ માનવી પડે. દિલ્હીમાં થયેલી શ્રદ્ધા વાલકરની નિઘૃણ હત્યા બાદ દર થોડા દિવસે બનેલા હિન્દુ પ્રેમિકાનું શોષણ કરનારા વિધર્મી પ્રેમીના કિસ્સાઓથી આ ભાવનાનો દેશભરમાં ઉછાળ આવ્યો છે. સકલ હિન્દુ મોરચા નિમિત્તે હિન્દુ સમાજ એકત્રિત થઈ હિન્દુ સમાજ પરનાં જોખમેનું અવલોકન કરવાની તક મળતી હોય તો તે લોકશાહીમાં હિન્દુઓનો અધિકાર માનવો જોઈએ.

હિન્દુઓ સમક્ષના પ્રશ્નોની યાદી લાંબી છે. આના ઉકેલ માટે સરકાર પર આધારિત નહીં રહેતા સૌથી પહેલાં આ પ્રશ્નોથી વાકેફ થવાનું હિન્દુ તરીકે આવશ્યક છે. `લવ જિહાદ'નાં પ્રકરણો બહાર આવવાં લાગ્યાં, તે વેળા અનેકોએ કાગારોળ મચાવી હતી. પણ અહીં અનેક `આફતાબ' નીકળ્યા અને તેનાં કાળાકૃત્ય જ એટલા નિર્ઘૃણ હતાં કે તેના પર ફિટકાર વરસાવ્યા સિવાય ન રહી શકાય.

આવો જ મુદ્દો `લૅન્ડ જિહાદ'નો છે. હિન્દુઓની જગ્યાઓ પર દબાણથી, ધાકધમકીથી અને ધર્મના નામે જગ્યા પચાવી પાડવાનું ચાલુ જ છે. કાશ્મીરની ખીણમાં જે થયું, તે આની લઘુ કે સૂક્ષ્મ આવૃત્તિઓ જ છે. હિન્દુઓના સંવેદનશીલ પ્રશ્નોના ઉત્તર મળી રહ્યા છે ત્યાં તેમના રોજગાર, અર્થકારણ જેવા પ્રશ્નોના ઉત્તર પણ શોધવા પડશે. હિન્દુઓની હિન્દુ તરીકે સંગઠિત થવાની પ્રક્રિયા બહુયામી ઠરશે તો તેને એક મોટી શક્તિ તરીકે આકાર લેવાથી કોઈ નહીં રોકી શકે.