• શનિવાર, 25 માર્ચ, 2023

સોનાની દાણચોરી શા માટે વધી રહી છે?

મુંબઈ, તા. 15 : ભારતમાં સોનાનો વપરાશ દર વર્ષે વધી રહ્યો છે. એની સાથે સાથે સોનાની દાણચોરી પણ વધી રહી છે. 

લોકસભામાં જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ વર્ષ 2020થી વર્ષ 2022 દરમિયાન દાણચોરીનું સોનું જપ્ત કર્યાના જથ્થામાં 62.50 ટકાની વૃદ્ધિ થઈ છે. બે વર્ષમાં દાણચોરીનું કુલ 8040 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે.

બુલિયન અને જ્વેલરીના વેપાર સાથે સંકળાયેલા વેપારી વર્ગનું માનવું છે કે સોનાની આયાત જકાત વધારે હોવાથી દાણચોરીમાં સોનાની સપ્લાય વધી રહી છે.

જુલાઈ, 2022માં સરકારે સોના પરની ડયૂટી 7.50 ટકાથી વધારીને 12.50 ટકા કરી હતી. આ બેઝિક ડયૂટી પર અન્ય જે સેસ લેવામાં આવે છે એની સાથે કુલ ડયૂટી 18 ટકા જેટલી થવા જાય છે. એ વખતે જ વેપારીઓએ સરકારને જણાવ્યું હતું કે જકાતમાં વધારો કરવાથી દાણચોરી વધશે અને સરકારની આવક ઘટશે. આ વર્ષે બજેટ અગાઉ પણ સરકાર સમક્ષ ડયૂટીમાં ઘટાડો કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

વાણિજ્ય મંત્રાલયે પણ નાણાં મંત્રાલયને ડયૂટીમાં ઘટાડો કરવા ભલામણ કરી હતી, પરંતુ બજેટમાં સોના પરની જકાતમાં ઘટાડો કરવામાં નથી આવ્યો. આને પગલે દાણચોરીની સપ્લાયમાં વધારો થવાની ગણતરી છે.

બજારમાંથી પ્રાપ્ત થતી વિગત મુજબ દાણચોરી દ્વારા જે સોનું ભારતમાં આવે છે એમાં 500 ગ્રામ સોના પર રૂા. 3.25થી રૂા. 3.50 લાખનું માર્જિન મળે છે. ડયૂટીમાં ઘટાડો કરવામાં આવે તો જ આ માર્જિન ઓછો થઈ શકે અને દાણચોરી પર નિયંત્રણ લાવી શકાય.

આ ઉપરાંત, સોનાની જે દાણચોરી થાય છે એમાંથી મોટા ભાગનો જથ્થો નોર્થ ઈસ્ટનાં રાજ્યો, મ્યાનમાર અને બાંગ્લાદેશની સરહદો પરથી થાય છે. જો દાણચોરીને કાબૂમાં લેવી હશે તો આ સરહદો પર ખાસ નજર રાખવી જોઈએ.

જોકે વેપારી વર્ગનું માનવું છે કે ડયૂટીમાં ઘટાડો શ્રેષ્ઠ વિકલ્પ છે. ડયૂટીમાં ઘટાડાને પગલે સોનાની સત્તાવાર આયાતમાં વધારો થશે એટલે સરકારની આવકમાં પણ વધારો થશે અને દાણચોરીની સપ્લાય પર આપમેળે જ નિયંત્રણ આવી જશે. અત્યારે ડયૂટી વધારે છે, પરંતુ આવક ઓછી છે, કારણ કે સત્તાવાર પેનલ દ્વારા ઓછું સોનું આવે છે, જ્યારે દાણચોરી દ્વારા વધારે જથ્થો આવે છે.