• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

અદાણી વિલ્મર હવે ઘઉં વેચશે 

સુરત, અમદાવાદ, મુંબઈ અને નવી દિલ્હી જેવાં બજારો ઉપર ધ્યાન કેન્દ્રિત 

નવી દિલ્હી, તા. 26 : અદાણી વિલ્મર ફોર્ચ્યુન બ્રાન્ડ હેઠળ આખા ઘઉંના બજારમાં પ્રવેશ કરી રહી છે. કંપની શરબતી, પૂમા 1544, લોકવન અને એમપી ગ્રેડ વન જાતના ઘઉં ગુજરાત ઉપરાંત દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં વેચશે. 

કંપનીના માર્કાટિંગ અને સેલ્સ વિભાગના વાઈસ પ્રેસિડેન્ટ વિનીત વિશ્વંભરને જણાવ્યું કે દેશના પશ્ચિમ અને ઉત્તરના પ્રદેશોમાં પરંપરાગત જાણકાર પરિવારો ઘઉંની જાતની ખૂબ ચોક્સાઈપૂર્વક પસંદગી અને આગ્રહ ધરાવે છે અને એ ઘઉં પોતાની દેખરેખ હેઠળ નજીકમાં આવેલી અનાજ પિસવાની ઘંટીએ જ દળાવવાનો આગ્રહ રાખે છે. ફોર્ચ્યુનની આખા ઘઉંની તમામ વરાયટી એમની જરૂરિયાતને સંપૂર્ણ રીતે પૂરી કરશે અને તેમને ઉચ્ચ ગુણવત્તા અને જાતની ખાતરી ધરાવતા ઘઉં પૂરાં પાડશે. 

વિશ્વંભરને ઉમેર્યું કે બજારમાં આખા ઘઉંના વરાયટીની ખાતરી ધરાવતા અને ભેળસેળ વિનાનાં વિકલ્પોની તાતી જરૂર છે. અમે અમારા ઉત્પાદનો દ્વારા દેશભરના ગ્રાહકોને આરોગ્યપ્રદ અને ભેળસેળ વિનાના આખા ઘઉં ઉલબ્ધ બનાવીશું. નવી દિલ્હી, મુંબઈ, પૂણે, સુરત અને અમદાવાદ જેવાં મેટ્રો શહેરોનાં બજારમાં હિસ્સો અને હાજરી વધારવાનું કંપનીનું ધ્યેય છે. 

31મી માર્ચ, 2023ના રોજ પૂરાં થયેલા નાણાવર્ષે કંપનીનો ચોખ્ખો નફો 28 ટકા ઘટીને રૂા. 582 કરોડ નોંધાયો હતો. આવશ્યક ચીજવસ્તુઓના ક્ષેત્રમાં કંપનીના વોલ્યુમ 34 ટકા અને ફૂડ તેમ જ એફએમસીજી ક્ષેત્રે 39 ટકા વધ્યા હતા. ખાદ્યતેલના ક્ષેત્રે વોલ્યુમ ત્રણ ટકા વધ્યા હતા. અદાણી વિલ્મરના ચીફ એક્ઝિક્યુટિવ અૉફિસર (સીઈઓ) આંગશુ મલિકે જણાવ્યું કે ખાદ્યતેલના ઘટતા ભાવના સંજોગોમાં અમારી પાસે ઊંચા ભાવની ઇન્વેન્ટરી હોવાથી કંપનીનાં માર્જિનો ઉપર અસર જોવા મળી હતી. ફુગાવાની અસર કંપનીના કાર્યકારી ખર્ચ ઉપર તેમજ વ્યાજદરમાં વધારાને કારણે વ્યાજનો ખર્ચ વધવાને કારણે પણ પરિણામો ઉપર અસર જોવા મળી હતી.

હેડલાઇન્સ