• શુક્રવાર, 19 એપ્રિલ, 2024

વડા પ્રધાનને પત્ર લખીને કહ્યું, દિલ્હી સરકારને અપંગ બનાવવામાં આવી રહી છે  

નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરશે કેજરીવાલ 

નવી દિલ્હી, તા. 26 : દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે શનિવારે 27મી મેએ યોજાનારી નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીમાં સરકારી અધિકારીઓની બદલી મુદ્દે સુપ્રીમના ચુકાદાને પલટતા વટહુકમ લાવવામાં આવ્યો હતો. આ વટહુકમના વિરોધ સ્વરૂપે નીતિ આયોગની બેઠકનો કેજરીવાલ દ્વારા બહિષ્કાર કરવામાં આવશે. 

કેજરીવાલે મોદીને એક પત્ર પણ લખ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના આદેશને ન માને તો લોકો ન્યાય માટે ક્યાં જશે? વડાપ્રધાન બિનભાજપ શાસિત રાજ્યોને કામ કરવામાં કોઈ અડચણ ઉભી ન કરે. સાથે એમ પણ કહ્યું હતું કે, સહકારી સંઘવાદ એક મજાક છે તો પછી નીતિ આયોગની બેઠકમાં ભાગ લેવાનો અર્થ શું છે? પત્રમાં લખવામાં આવ્યું છે કે છેલ્લા અમુક વર્ષમાં જે રીતે લોહશાહી ઉપર હુમલા થયા છે, બિનભાજપ રાજ્યોને તોડવામાં આવી રહ્યા છે અથવા તો કામ કરવામાં દેવામાં આવતું નથી. તે ભારતવર્ષનું વિઝન નથી અને સહકારી સંઘવાદ પણ નથી. આઠ વર્ષની લડાઈ દિલ્હીના લોકોએ સુપ્રીમમાં જીતી છે. 

દિલ્હીને ન્યાય મળ્યો હતો અને માત્ર આઠ દિવસમાં વટહુકમ પસાર કરીને સુપ્રીમ કોર્ટના આદેશને પલટી નાખવામાં આવ્યો છે. જેના લીધે આજે દિલ્હી સરકારનો કોઈ અધિકારી કામ ન કરે તો ચૂટાયેલી સરકાર કાર્યવાહી કરી શકી નથી. આવી રીતે સરકાર કેમ કામ કરશે? સરકારને અપંગ બનાવી દેવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ