• શનિવાર, 20 એપ્રિલ, 2024

ચોમાસું સામાન્ય રહેવાની હવામાન ખાતાની આગાહી  

ચોથી જૂન સુધીમાં કેરળનો કાંઠો ભીંજાશે 

નવી દિલ્હી, તા. 26 : ઉનાળુ ઉકળાટ વચ્ચે આશ્વાસન આપતાં ભારતીય હવામાન ખાતાએ શુક્રવારે સારા સમાચારરૂપ વર્તારામાં જણાવ્યું હતું કે, આ વરસે ચોમાસુ સામાન્ય રહેશે.હવામાન ખાતાના નિષ્ણાત ડો. પી. એસ. પઇએ કહ્યું હતું કે, અલનીનોની પરિસ્થિતિ છતાં ચોમાસુ સામાન્ય રહેશે. ચોથી જૂન સુધી ચોમાસુ કેરળનો કાંઠો ભીંજવશે. પઇએ આજે પત્રકાર પરિષદને સંબોધતાં કહ્યું હતું કે, અરબી સમુદ્રમાં આગામી સપ્તાહે કોઇ તોફાનની સંભાવના નથી. દેશના બધા ભાગોમાં વરસાદ થશે, તો સ્થિતિ ઘણી સારી રહેશે.

લાંબાગાળાની સરેરાશમાં 96થી 104 ટકા વરસાદની આશા છે. જો કે, વાયવ્ય ભારતમાં સામાન્યથી ઓછા 92 ટકા વરસાદની શક્યતા છે તેવું તેમણે ઉમેર્યું હતું. વાયવ્ય અને ઇશાન ભારતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થઇ શકે છે તેવું મોસમ વિજ્ઞાન વિભાગે કહ્યું હતું.

પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમી ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના આખા ચોમાસા દરમ્યાન 92 ટકાથી ઓછો વરસાદ એટલે કે સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, 2005થી 2022 સુધી ભારતીય હવામાન ખાતા વિભાગ તરફથી ચોમાસા અંગે કરેલા પૂર્વાનુમાનો સાચા સાબિત થયા છે.