• શનિવાર, 25 માર્ચ, 2023

પાંચ રાજ્યમાં ભરઉનાળે ચોમાસું

રાજસ્થાન, એમપી, ગુજરાત, છત્તીસગઢ, યુપીમાં વરસાદ-કરાથી ખેતીને નુકસાનનો ભય

નવી દિલ્હી, તા. 17  : દેશમાં શિયાળા બાદ સીધું જાણે ચોમાસું બેસવાનું હોય એમ દેશના અનેક રાજ્યમાં વરસાદનું આગમન થયું હતું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ સહિતનાં રાજ્યોમાં વરસાદની સાથે કરા પણ પડયા હતા. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. કમોસમી વરસાદથી ખેતીને નુકસાનની ભીતી સેવાઈ રહી છે.

હિમાચલના કુલ્લુ-મનાલી અને લાહોલ સ્પિતીમાં ભારે બરફવર્ષાને કારણે 300 જેટલાં વાહન અટલટનલમાં ફસાઈ ગયાં હતાં અને લાંબો જામ લાગ્યો હતો. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર ભારતમાં અત્યારે એક વિક્ષોભ સક્રિય છે. તેની અસરથી દક્ષિણ-પૂર્વ રાજસ્થાનમાં 14 માર્ચથી એક ચક્રવાત બનેલો છે. જેના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. 16 માર્ચથી ફરી એક પશ્ચિમી વિક્ષોભ બન્યો છે. દક્ષિણ-પૂર્વી પવનો બંગાળની ખાડી અને અરબ સાગરથી ભેજ લઈને આવી રહ્યા છે જેને કારણે ઉત્તર ભારતમાં વરસાદ, કરા અને તોફાનની સ્થિતિ સર્જાઈ છે.

રાજસ્થાનમાં વેર્સ્ટન ડિસ્ટર્બન્સને કારણે જયપુર સહિત 10થી વધુ જિલ્લામાં ભારે પવનો સાથે વરસાદ અને કરા પડતાં કિસાનોની સ્થિતિ વિકટ બની હતી.મધ્યપ્રદેશમાં છેલ્લા બે દિવસથી ભોપાળ, ઈન્દોર સહિતના સ્થળે ભારે વરસાદ પડયો હતો.

ઉત્તરપ્રદેશના લખનૌ, કાનપુર અને આગ્રામાં આજે સવારે વરસાદ થયો હતો. બિહારમાં વરસાદ અને કરાથી કાશ્મીર જેવો માહોલ સર્જાયો છે. અનેક શહેરોમાં કરાને કારણે પાક પર વિપરિત અસર પડી હતી. છત્તીસગઢમાં બે દિવસથી કરા વર્ષાને કારણે વાતાવરણમાં ઠંડક છે. હિમાચલના કુલ્લુમાં અટલ ટનલની બંને બાજુ બરફવર્ષાથી 300 વાહન ફસાયાં હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું.