• શનિવાર, 25 માર્ચ, 2023

ગુજરાત, મહારાષ્ટ્ર સહિત સાત રાજ્યોમાં પીએમ મિત્રા મેગા ટેક્સ્ટાઈલ પાર્કનું નિર્માણ થશે : વડા પ્રધાન   

નવી દિલ્હી, તા. 17 : દેશનાં સાત રાજ્યોમાં પીએમ મિત્રા મેગા ટેક્સ્ટાઈલ પાર્કનું નિર્માણ કરવાની ઘોષણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કરી હતી. પીએમ મિત્રા મેગા ટેક્સ્ટાઈલ પાર્ક તરીકે આ પાર્ક ઓળખાશે અને તે ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, તેલંગણા અને કર્ણાટકમાં સાકાર થશે, એમ વડા પ્રધાને જણાવ્યું હતું. 

પીએમ મિત્રા મેગા ટેક્સ્ટાઈલ પાર્કની રચના થયા બાદ ટેક્સ્ટાઈલ ક્ષેત્ર માટે અત્યાધુનિક માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થશે અને તે સાથે કરોડો રૂપિયાનું રોકાણ આવશે, તે કારણે રોજગારની નવી માતબર તકો પણ ઉપલબ્ધ થશે, એમ વડા પ્રધાને ટ્વીટ કરી જણાવ્યું હતું. પીએમ મિત્રા મેગા ટેક્સ્ટાઈલ પાર્ક મેક ઈન ઈન્ડિયા અને મેક ફોર વર્લ્ડનું શ્રેષ્ઠ ઉદાહરણ બનશે, એમ વડા પ્રધાને ઉમેર્યું હતું. 

પીએમ મિત્રા મેગા ટેક્સ્ટાઈલ પાર્કથી ટેક્સ્ટાઈલ ક્ષેત્રને પાંચ એફમાં લાભ મળશે, તેમાં ફાર્મ ટુ ફાઈબર ટુ ફૅક્ટરી ટુ ફૅશન ટુ ફોરેનનો સમાવેશ થાય છે, એમ વડા પ્રધાને જણાવ્યું હતું.