• શનિવાર, 25 માર્ચ, 2023

રાહુલ ગાંધીના નામે સંસદ ઠપ  

શાસક-વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ ઉગ્ર બન્યું 

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 17 : લંડનની મુલાકાત દરમિયાન `લોકશાહી પર હુમલા' સંબંધી નિવેદનો કરવા બદલ રાહુલ ગાંધી માફી નહીં માગે ત્યાં સુધી તેમને સંસદમાં બોલવા નહીં દેવાનું ભાજપે નક્કી કરતાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચેનું યુદ્ધ વધુ ઉગ્ર બન્યું છે. શુક્રવારે કૉંગ્રેસ અને ભાજપના પ્રમુખો શાબ્દિક યુદ્ધમાં ઉતર્યા હતા. ભાજપના પ્રમુખ જે. પી. નડ્ડાએ રાહુલ ગાંધી પર દેશ અને સંસદનું વિદેશમાં અપમાન કરતા હોવાનો આક્ષેપ ર્ક્યો. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી `દેશદ્રોહી ટૂલકિટ'નો ભાગ બની ગયા છે, કૉંગ્રેસ હવે દેશદ્રોહી પ્રવૃત્તિનો ભાગ બની ગઈ છે... રાહુલ ગાંધી હવે દેશદ્રોહી ટૂલકિટનો કાયમી હિસ્સો બની ગયા છે.

નડ્ડા પર વળતો હુમલો કરતાં કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધીના બચાવમાં ઉતર્યા હતા અને કહ્યું કે, લોકશાહી વિશે ચર્ચા કરતા લોકો શું દેશદ્રોહી છે? નડ્ડા અને ભાજપ જ દેશદ્રોહી છે. તેમણે આઝાદીની લડતમાં ભાગ લીધો નથી, અંગ્રેજો માટે કામ ર્ક્યું અને હવે બીજાને દેશદ્રોહી કહી રહ્યા છે? બેરોજગારી અને મોંઘવારી પરથી ધ્યાન હટાવવા માટે તેઓ આમ કરી રહ્યા છે. હું જે. પી. નડ્ડાના બયાનની નિંદા કરું છું. માફી માગવાનો કોઈ મતલબ નથી. અમે સંસદમાં એનો મજબૂત જવાબ આપીશું. રાહુલ ગાંધી પોતે જવાબ આપશે, એટલે જ ભાજપ ડરી ગયો છે. એમને સંસદમાં બોલવાની તક શા માટે નથી આપતા?

લંડનમાં રાહુલ ગાંધીનાં નિવેદનો અને વડા પ્રધાન મોદીને અદાણી સાથે સાંકળતી તેમની ટિપ્પણીઓ સંદર્ભે ભાજપના નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી સામે વિશેષાધિકાર ભંગની નોટિસ આપી છે અને લોકસભામાં તેમની સદસ્યતા રદ કરવાની માગણી કરી છે. એના જવાબમાં કૉંગ્રેસના સાંસદ કે. સી. વેણુગોપાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે પ્રિવિલેજ મોશન ફાઈલ ર્ક્યો. રાજ્યસભામાં ગયા મહિને રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર વ્યક્ત કરતી વખતે વડા પ્રધાને ગાંધી પરિવારને નિશાન બનાવ્યો હોવાનો આક્ષેપ તેમણે ર્ક્યો.

વડા પ્રધાને તેમના ભાષણમાં સવાલ ર્ક્યો હતો કે ગાંધી પરિવાર તેમનાં નામની પાછળ `નહેરુ' અટક કેમ નથી લગાડતો? વેણુગોપાલે હ્યું કે વડા પ્રધાનનું આ સૂચન દુર્ભાગ્યપૂર્ણ છે. વડા પ્રધાન સારી રીતે જાણે છે કે પુત્રીઓ લગ્ન પછી પિતાની અટક નથી લગાડતી. એ જાણવા છતાં વડા પ્રધાને જાણીજોઈને આ વાતની મજાક ઉડાડી. વડા પ્રધાનનો સૂર અને ભાવાર્થ અપમાનજનક હતો, એવો વેણુગોપાલે આક્ષેપ ર્ક્યો. દુબેએ પણ ગયા મહિને અધિવેશનમાં લોકસભાના અધ્યક્ષની પરવાનગી વગર જ રાહુલ ગાંધીએ ભાષણ આપ્યું હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે. 

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ રાહુલ ગાંધીનાં નિવેદનો માટે વિશેષ સમિતિની નિમણૂક કરવાની માગણી કરી છે જેનો કૉંગ્રેસે વિરોધ ર્ક્યો. એને સંસદ, લોકશાહી અને દેશની સંસ્થાઓનું અપમાન ગણાવ્યું હતું. આ કમિટીએ રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા સમાપ્ત કરવામાં મદદ કરવી જોઈએ, એવું નિશિકાંત દુબેએ કહ્યું.

દરમિયાન ભાજપના સાંસદો રાહુલ ગાંધીની માફીની માગણી પર મક્કમ રહેતાં શુક્રવારે પણ લોકસભામાં ધાંધલ મચી. જેને કારણે સંસદની કાર્યવાહી ચાલી શકી નહીં. કૉંગ્રેસે આક્ષેપ ર્ક્યો કે સરકાર વિરોધના અવાજો ચુપ કરવા માટે સંસદમાં અૉડિયો મ્યૂટ (બંધ) કરવામાં આવ્યા હતા. કૉંગ્રેસે ટ્વીટ પર એક ક્લિપ શૅર કરી જેમાં લખ્યું કે, કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષના વિરોધ પ્રદર્શન દરમિયાન અૉડિયો શાંત થઈ ગયો.

જોકે સરકારે, અૉડિયો જાણીજોઈને મ્યૂટ કરાયો હોવાની વાતનો ઈનકાર ર્ક્યો. સૂત્રોએ જણાવ્યું કે, એ ટેક્નિકલ ખામી હતી, જાણીજોઈને કરાયું નહોતું. સંસદમાં ચાલતી ધમાલનું દરરોજ પ્રસારણ થઈ જ રહ્યું છે.

કૉંગ્રેસે ટ્વીટમાં જણાવ્યું કે, `પહેલા ફક્ત માઈક મ્યૂટ થતા હતા. હવે સદનની કાર્યવાહી મ્યૂટ કરાઈ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મિત્ર માટે લોકસભા મ્યૂટ છે.' કૉંગ્રેસે આક્ષેપ ર્ક્યો કે, અદાણી-હિન્ડનબર્ગ મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિ રચવાની વિરોધ પક્ષની માગણીને મ્યૂટ કરવા માઈક મ્યૂટ કરાયા હતા. ભાજપએ રાહુલ ગાંધીને સંસદમાં બોલવા નહીં દેવાનું નક્કી ર્ક્યું છે, એવો પણ આક્ષેપ ર્ક્યો છે.