• શનિવાર, 02 ડિસેમ્બર, 2023

વાતચીત માટે આતંકવાદ મુક્ત માહોલ જરૂરી

પાકિસ્તાનની અૉફરને ભારતીય વિદેશ મંત્રાલયનો જવાબ

નવી દિલ્હી, તા. 3 : પાડોશી દેશ પાકિસ્તાન તરફથી ભારતને આપવામાં આવેલી વાતચીતની ઓફર અંગે ભારતે સ્પષ્ટ જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, તેમણે રિપોર્ટ જોયા છે. ભારતનું વલણ એ જ છે કે તમામ દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધ ઈચ્છે છે. જો કે આ માટે આતંકવાદ મુક્ત માહોલ જરૂરી છે. ભારતે પાકિસ્તાની સીમા હૈદર અને ભારતથી પાકિસ્તાન ગયેલી અંજુ મામલે પણ નિવેદન આપ્યું હતું. બાગચીએ કહ્યું હતું કે, ભારત આવેલી સીમા હૈદરના મામલે એજન્સીઓ તપાસ કરી રહી છે. જો કે અંજુનો મામલો વિદેશ નીતિને સંબંધિત નથી, કારણ કે અંજૂ અંગત પ્રવાસે હતી. બાગચીએ કહ્યું હતું કે, પાકિસ્તાન સતત કાશ્મીરનો મુદ્દો ઉઠાવે છે. પ્રોપેગેન્ડા ફેલાવવા માટે નિયમિત રીતે કાશ્મીરની વાત અલગ અલગ મંચ ઉપરથી કરે છે. જો કે ભારત પાકિસ્તાનના આવા કોઈ પેંતરાને ગંભીરતાથી લેવા માગતું નથી. વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે ભારત જી-20 બેઠકથી અલગ કોઈ બેઠક કરી રહ્યું નથી. સમિટ દરમિયાન કોઈ અન્ય દેશ સાથે બેઠક થાય તો તેના ઉપર અત્યારે ટિપ્પણી કરી શકાય નહી. પાકિસ્તાની વડા પ્રધાન શહબાઝ શરીફે કહ્યું હતું કે, તે ભારત સહિત તમામ પાડોશી દેશ સાથે સારા સંબંધ ઈચ્છે છે. પાકિસ્તાન એવો મામલો બનાવવા માગે છે જે આતંકવાદ અને વૈમનસ્યથી મુક્ત હોય. જો ભારત ગંભીર હોય તો પાકિસ્તાન વાતચીત માટે તૈયાર છે.