સેના પડકારો સામે સજ્જ : જનરલ પાંડે
નવી દિલ્હી, તા. 15 : કર્ણાટકનાં બેંગલોર સ્થિત ગોવિંદ સ્વામી પરેડ ગ્રાઉન્ડમાં રવિવારે સેના દિવસ નિમિત્તે યોજિત સમારોહને સંબોધતાં સૈન્યવડા જનરલ મનોજ પાંડેએ કહ્યું હતું કે, અમે વાસ્તવિક નિયંત્રણ રેખા પર કોઇપણ સ્થિતિ સામે લડી લેવા તૈયાર છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા સંદેશ આપતાં કહ્યું હતું કે, દરેક ભારતીયને સેના પર ગર્વ છે, તે બદલ સૌ સદાય આભારી રહેશે. ભારતીય સેનાના અધ્યક્ષ જનરલ પાંડેએ જરૂરી પ્રમાણમાં સેનાને હથિયારો ઉપલબ્ધ કરાવવા બદલ સરકારનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સેનાના પ્રથમ પુરુષ અગ્નિવીર બેચની તાલીમ પણ શરૂ કરી દેવાઇ છે. દેશના ગૃહપ્રધાન અમિત શાહે ટ્વિટર પરથી કહ્યું હતું કે, દેશને સુરક્ષિત રાખવાના સંકલ્પ બદલ ભારત દેશને સેના પર ગર્વ છે. સર્વોચ્ચ બલિદાન નમન કરીએ છીએ.
સીમા પર આતંકવાદી ગતિવિધિઓ અને માળખાં હજુયે બરકરાર છે. જમ્મુ અને પંજાબની આંતરરાષ્ટ્રીય સીમાઓ પર ડ્રોનથી હથિયારો અને ડ્રગ્સની તશ્કરી જારી છે, પરંતુ સેના તમામ પડકારો સામે લડવાની તાકાત સાથે સજ્જ હોવાની ધરપત જનરલ પાંડેએ આપી હતી.