• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

ગુજરાતની જેલોમાં કેદીઓનો માનસિક તણાવ ઘટાડવા મ્યુઝિક થેરપીનો ઉપયોગ કરાશે

ભાર્ગવ પરીખ તરફથી 

અમદાવાદ, તા. 23 : અમદાવાદની સાબરમતી જેલમાં એક અનોખો પ્રયોગ થયો. સતત તણાવમાં રહેતા અને વારંવાર ગુસ્સે થતા કેદીઓ માટે ખાસ મ્યુઝિક થેરપીનો પ્રયોગ કરવામાં આવ્યો. સંખ્યાબંધ કેદીઓનો માનસિક તણાવ અને ગુસ્સો ઓછો થવા ઉપરાંત એકાગ્રતા વધતા હવે ગુજરાતની તમામ જેલોમાં મ્યુઝિક થેરપીનો ઉપયોગ શરૂ કરવામાં આવશે. 

અમદાવાદની સાબરમતી જેલમાં અૉપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અને જેલમાં વૉકેશનલ કામ કરતા સંખ્યાબંધ કેદીઓની એકાગ્રતા ઓછી દેખાઈ અને એમને ઓછી ઊંઘને કારણે સતત તણાવમાં રહેતા જોવા મળ્યા હતા. જેને ધ્યાનમાં રાખી જેલના અૉફિસર દ્વારા ખાસ મ્યુઝિક થેરપીનો કાર્યકમ યોજાયો. ગુજરાત હાઈ કોર્ટના ન્યાયાધીશ સોનિયા ગોકાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં કેદીઓને મ્યુઝિક સંભળાવવાની સાથે સાથે જેલમાંથી બહાર આવ્યા પછી સમાજની  મુખ્ય ધારામાં લાવવા માટે `વ્યવસાયિક માર્ગદર્શન' પણ આપવામાં આવ્યું હતું. 

ગુજરાત યુનિવર્સિટીના પર્ફોમિંગ આર્ટસના વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલા આ કૅમ્પમાં ખાસ શાંત અને હેન્ડ હેલ્સ મ્યુઝિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસના મનોચિકિત્સક ડૉ. ગોપાલ ભાટિયાએ `જન્મભૂમિ' સાથેની વાતચીતમાં કહ્યું કે ઘણા કેદીઓ એવા હોય છે કે જે આવેશમાં આવીને ગુનો કરી બેસે છે. જેના કારણે એમના અચેતન મનમાં અપરાધભાવ રહેલો હોય છે. તો કેટલાક લોકોને પોતાના પરિવારની સતત ચિંતા રહ્યા કરતી હોય છે, જેના કારણે આનિંદ્રાનો ભોગ બને છે. સંખ્યાબંધ લોકો એવા હોય છે કે જે લોકો સતત તણાવમાં રહેવાને કારણે એકાગ્રતા ગુમાવી બેસે છે. જેથી એ લોકો જેલમાં રહી અૉપન યુનિવર્સિટીમાં આગળ ભણવા માગતા હોય અથવા જેલમાં બેકરી, સુથારીકામ અને અન્ય હેન્ડીક્રાફ્ટની ટ્રાનિંગ સમયે પણ એકાગ્રતા નથી જાળવી શકતા. આવા લોકો રીઢા ગુનેગાર નથી હોતા. આવા લોકોને મુખ્ય ધારામાં લાવવા માટે મ્યુઝિક થેરપીનો ઉપયોગ કરાયો છે, જેના કારણે આત્મ સન્માનની ભાવના વધે છે, સકારાત્મક વિચારો આવે છે, ઊંઘ સારી આવે છે અને એકાગ્રતા વધે છે, જેના કારણે કેદીઓ નવા વ્યવસાય શીખવામાં અને જેલમાં રહી ભણવામાં વધુ ધ્યાન આપી શકે છે, સાબરમતી જેલમાં થયેલા આ મ્યુઝિક થેરપીમાં ભાગ લેનારા 91 ટકા કેદીઓના વર્તનમાં સુધારો જોવા મળ્યો છે, જેને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં રાજ્યની તમામ જેલમાં મ્યુઝિક થેરપીનો ઉપયોગ કરવામાં આવશે.