• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

પાકિસ્તાનની બત્તી ગુલ

ઈસ્લામાબાદ સહિત વીસ જિલ્લામાં અંધારપટ

ઈસ્લામાબાદ, તા.23 : પાકિસ્તાનને એક સાંધે ત્યાં તેર તૂટવા જેવી કંગાળ હાલત થઈ ગઈ છે. આર્થિક સંકટમાં ઘેરાયેલું પાક. હવે અંધારામાં ડૂબવા લાગ્યું છે. પહેલા દેશમાં આટો ખતમ થયો, પછી ગેસ અને પેટ્રોલનું સંકટ આવ્યું અને હવે વીજળીનાં સાંસા પડી ગયા છે. પાકિસ્તાનના મોટાભાગમાં આજે વીજળી ગુલ થઈ ગઈ છે અને હજી 12 કલાક જેટલો સમય અજવાળાનાં કોઈ અંધાણ નથી. બીજીબાજુ વડા પ્રધાન શાહબાઝ શરીફ નક્કી કરવાની હાલતમાં નથી કે આઇએમએફ પાસે મદદ માગવી કે નહીં કારણ કે, જો આઇએમએફ પાસેથી ભંડોળ મેળવવું હોય તો પાક.ને સેનાના ખર્ચમાં કાપ સહિતની અનેક શરતોનું પાલન કરવું પડે તેમ છે. 

પાકિસ્તાનમાં ક્વેટા અને ગુડડુની વચ્ચે હાઇટેન્શન ટ્રાન્સમિશન લાઇનમાં ખરાબી સર્જાવાનાં કારણે સોમવારે દેશના અનેક ભાગમાં બત્તી ગુલ થઈ ગઈ હતી. 

આ પહેલા પણ વીજસંકટનાં કારણે જ પાક.માં બજારો રાતે 8 કલાકે બંધ કરી નાખવાના આદેશો પણ આપવા પડયા હતા. તેમાં હવે બલુચિસ્તાનનાં 22 જિલ્લા સહિત ક્વેટા, ઈસ્લામાબાદ, લાહોર, મુલ્તાન અને કરાચી જેવા પ્રદેશોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયો છે. અહીં ફરીથી વીજળી પૂર્વવત કરવા માટે બારેક કલાકનો સમય લાગી જાય તેમ છે.

આઇએમએફ પાસેથી ભંડોળ મેળવવાનું કઠણ પડતાં પાકે પોતાના મિત્ર દેશોના દરવાજા ખટખટાવાની રણનીતિ અપનાવી છે પણ હવે તેમાં પણ તેને પોતાની હેસિયતનો ખ્યાલ આવી ગયો છે. તેના મિત્ર દેશો પણ હવે મફતમાં મદદ કરવા માટે તૈયાર નથી. સાઉદી અરબે પણ પાક.ને મદદ કરવા માટે અનેક શરતો મૂકી દીધી છે. સાઉદીએ પણ પાક.ને કહી દીધું છે કે, તે આઇએમએફના પ્રોગ્રામ અનુસાર આગળ વધે તો જ તેને મદદ કરી શકશે.