• મંગળવાર, 05 ડિસેમ્બર, 2023

ગૅંગસ્ટર ઍક્ટ હેઠળ મુખ્તાર અંસારીને દસ વર્ષની કેદ

પૂર્વ ધારાસભ્યને હત્યા તેમ જ હત્યાના પ્રયાસના મામલામાં કોર્ટે દોષિત ઠેરવ્યો

નવી દિલ્હી, તા. 27 : ગેંગસ્ટર એક્ટ હેઠળ મુખ્તાર અંસારીને ગાજીપુર કોર્ટે દસ વર્ષની સજા અને પાંચ લાખનો દંડ  ફટકાર્યો છે તો સોનુ યાદવને કોર્ટે પાંચ વર્ષની કેદ તથા બે લાખનો દંડ ફટકાર્યો છે. અગાઉ કોર્ટે પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારી હત્યા અને હત્યાના પ્રયાસના મામલે દોષી ઠેરવ્યો હતો.

વર્ષ 2010માં કરંડા પોલીસ સ્ટેશન ખાતેના બે મામલામાં ગેંગ ચાર્ટ બનાવ્યા બાદ ગેંગસ્ટર એક્ટ મામલે પણ તેઓ દોષી ઠેરવવામાં આવ્યા હતા. જ્યારે મૂળ મામલે મુખ્તાર અંસારી નિર્દોષ છૂટી ગયો હતો. આ અંગે ગાજીપુરની એમપી-એમએલએ કોર્ટના નીરજ શ્રીવાસ્તવે જણાવ્યુ હતું કે, કોર્ટ દ્વારા અંસારીને ત્રીજી સજા સંભળાવવામાં આવી છે, જેનામાં વધુમાં વધુ દસ વર્ષની સજા થઈ શકે એમ છે.

આ ઉપરાંત કોર્ટે જણાવ્યુ હતું કે, મૂળ મામલે નિર્દોષ છૂટવા પાછળ ઘણી વખત સાક્ષીઓને આરોપી તરફથી ભય રહેતો હોય છે જેને લઈને ગેંગસ્ટર એક્ટની જોગવાઇ કરવામાં આવી છે. આ એક્ટનો હેતુ કુખ્યાત લોકોનો ભય સમાજમાં ન રહે અને એમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો છે. આ કાયદા અંતર્ગત જો કોઈપણ જાતના ડર કે દબાણને લીધે સાક્ષીઓ પલટી ગયા હોવાનું સાબિત થાય તો આરોપીને સજા થઈ શકે છે.