• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

જીએસટીને સરળ બનાવવાની માગણી સાથે વેપારીઓ આંદોલન કરશે  

અમારા પ્રતિનિધિ તરફથી 

નવી મુંબઈ, તા. 24 : દેશભરના વેપારીઓએ ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી)ને સરળ બનાવવાની માગણીના ટેકામાં આંદોલન કરવાની ચીમકી આપી છે. તેમણે એવો દાવો કર્યો છે કે આ કાયદામાં સતત સુધારા કરવામાં આવ્યા હોવાથી ગૂંચવાડો પેદા થયો છે અને તેનું માળખું જટિલ બની ગયું છે. 

રવિવારે વાશીની એપીએમસી માર્કેટ ખાતે મેમ્બર અૉફ ઍસોસિયેશન્સ અૉફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડ (સીએએમઆઈટી) દ્વારા આયોજિત બેઠકમાં દેશભરના અને મહારાષ્ટ્રના 16 જિલ્લાઓના વેપારીઓ હાજર રહ્યા હતા.

આંદોલનની યોજનાને આગળ વધારી રહેલા ભારતીય ઉદ્યોગ વ્યાપાર મંડળે (બીયુવીએમ) વેપારીઓ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

બીયુવીએમના પ્રમુખ વિજય પ્રકાશ જૈને જણાવ્યું હતું કે આ બેઠકમાં દેશ અને રાજ્ય સ્તરની અનેક સમસ્યાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. નવા કરવેરા અને જોગવાઈઓ દાખલ કરાઈ છે. તેના કારણે સમસ્યાઓ અને અડચણો આવી રહી છે. `આઘાતજનક બાબત એ છે કે જ્યારથી આ કાયદો અમલી બન્યો છે ત્યારથી અત્યાર સુધીમાં તેમાં 1235 વખત સુધારા કરવામાં આવ્યા છે. 

આ ફેરફારોને કારણે વેપારી આલમ ગૂંચવાઈ ગઈ છે. નિયમો ઘણા જટિલ છે અને તેને કારણે વેપારીઓને તેમના ધંધા કરતાં વિશેષ ધ્યાન આ નિયમો પર આપવું પડે છે' એવો દાવો જૈને કર્યો હતો.