• શનિવાર, 04 ફેબ્રુઆરી, 2023

5.8ની તીવ્રતાના ભૂકંપથી ધ્રૂજ્યું ઉત્તર ભારત  

નેપાળમાં કેન્દ્રબિંદુ : દિલ્હી સહિત પાંચ રાજ્યમાં અસર

નવી દિલ્હી, તા. 24 : પાડોશી દેશ નેપાળમાં કેન્દ્રબિંદુ ધરાવતા 5.8ની તીવ્રતાના ભૂકંપથી આજે બપોરે દિલ્હી-એનસીઆર સહિત પાંચ રાજ્યમાં ધરા ધ્રૂજતાં લોકો ડરથી ફફડી ગયા હતા. નેપાળમાં જ્યાં આ ભૂકંપનું કેન્દ્રબિન્દુ હતું તે બાજૂરામાં અનેક મકાનોમાં તિરાડો પડી હતી. ભારતમાં અત્યારે ચર્ચાના સ્થાને રહેલા ઉત્તરાખંડના જોશીમઠમાં પણ ભૂકંપથી ધરતી ધ્રૂજતાં લોકોના ભયમાં વધારો થયો હતો. ભારતમાં આ ભૂકંપથી જાનમાલનું નુકસાન થયાના કોઈ અહેવાલ નથી. નવી દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીઆર)માં બપોરે 2.28 કલાકે 30 સેકન્ડ સુધી ભૂકંપના તીવ્ર ઝાટકા અનુભવાયા હતા. લોકો ડરના માર્યા કચેરીઓમાંથી રસ્તા પર આવી ગયા હતા.

રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (એનસીએસ)ના જણાવ્યા પ્રમાણે ભૂકંપનું કેન્દ્રબિન્દુ નેપાળના કાલિકાથી 12 કિલોમીટર દૂર બાજુરામાં હતું. તેની તીવ્રતા 5.8 માપવામાં આવી હતી. ભૂકંપની અસર દિલ્હી-એનસીઆર ઉપરાંત ઉત્તરાખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, રાજસ્થાનના અમુક વિસ્તારોમાં વર્તાઈ હતી. ચીનમાં પણ અનેક વિસ્તારોમાં ભૂકંપની અસર હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું.

2023ના આરંભથી અત્યાર સુધીમાં નવી દિલ્હીમાં ભૂકંપની આ ત્રીજી ઘટના હતી. આ પહેલાં પાંચમી જાન્યુઆરીએ દિલ્હી-એનસીઆર અને કાશ્મીરમાં 5.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્રબિન્દુ અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 79 કિમી દૂર હિન્દુકુશ પર્વતમાળામાં હતું. દરમ્યાન, નેપાળના બાજુરાના ડીએસપી સૂર્ય થાપાએ જણાવ્યું હતું કે પ્રારંભિક અહેવાલો મુજબ ઓછામાં ઓછા પાંચ મકાન તૂટી પડયાં છે. જોકે કોઈ જાનહાનિ થઈ નથી.