• શનિવાર, 02 માર્ચ, 2024

મહિલાશક્તિ, યુવાશક્તિ, ખેડૂતો અને ગરીબો વિકસિત ભારતના ચાર સ્તંભ : મોદી  

વિકસિત ભારત સંકલ્પ યાત્રા

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 30 : વિકસિત ભારત બનાવવા કેન્દ્ર સરકાર અવિરત કામ કરી રહી છે અને દેશના તમામ નાગરિકોને ખાસ કરીને ગરીબોને નિ:શુલ્ક અનાજ, સસ્તી દવાઓ અને સુવિધાઓ આપવાની જનહિતની યોજનાઓ અમલમાં લાવી રહી છે. દેશ હવે 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા મક્કમ છે અને આ સપનું પૂરું કરવાના પ્રયાસો કરી રહ્યો છે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું. 

કેન્દ્ર સરકારની વિવિધ ગરીબલક્ષી યોજનાઓને લોકો સુધી પહોંચાડવાની વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વડા પ્રધાને આજે વર્ચ્યુઅલ વાતચીત કરી હતી. સમયસર દેશના તમામ લાભાર્થીઓ સુધી સરકારની યોજનાઓ પહોંચી શકે એ માટે આ સંવાદનું આયોજન કરાયું હતું. મોદીએ જણાવ્યું હતું કે, ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લોકોને સરકારની યોજનાઓ સંબંધી માહિતી આપવા, તેમને લાભ પહોંચાડવા તેમ જ સંવાદ માટે મોદીની ગેરંટી વૅનો દેશભરમાં ફરી રહી છે. અત્યાર સુધીમાં આવી વૅનો 12 લાખ ગામડાઓના 30 લાખ લોકો સુધી પહોંચી ચૂકી છે, જેને લોકોનો અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે. 

મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે, હજુ પણ જે લોકો સુધી સરકારી યોજનાઓ પહોંચી નથી એવા વંચિતોને લાભ મળે એ હેતુસર 15 નવેમ્બરે ઝારખંડથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરાઇ હતી. અમૃતકાળમાં ચાર સ્તંભ એટલે મહિલા શક્તિ, યુવા શક્તિ, ખેડૂતો અને ગરીબો 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્રનું સપનું સાકાર કરશે. 

આ અવસરે વડા પ્રધાને નમો ડ્રૉન દીદી યોજના લૉન્ચ કરતાં કહ્યું હતું કે, આ યોજના અંતર્ગત દેશનાં પંદર હજાર મહિલા મંડળોને ડ્રૉન આપવામાં આવશે, જેનાથી તેઓ કૃષિ ક્ષેત્રમાં કામ કરી શકે. આ માટે મહિલાઓને ડ્રૉન કેવી રીતે અૉપરેટ કરવું એની તાલીમ પણ આપવામાં આવશે. આ યોજના અંતર્ગત વડા પ્રધાને દેવઘર એઇમ્સમાં દસ હજાર જન ઔષધી કેન્દ્ર પણ સમર્પિત કર્યા હતા.

Budget 2024 LIVE
હેડલાઇન્સ