• શનિવાર, 02 માર્ચ, 2024

સેના માટે 97 તેજસ અને 156 પ્રચંડ હેલિકૉપ્ટરની ખરીદીને મંજૂરી   

રક્ષા ખરીદ પરિષદની બેઠકમાં નિર્ણય 

નવી દિલ્હી, તા. 30 : ભારતમા સૈન્ય અને રક્ષા ઉત્પાદનને પ્રોત્સાહન આપતા રક્ષા ખરીદ બોર્ડે 97 તેજસ વિમાન અને 156 પ્રચંડ હેલીકોપ્ટરની ખરીદીને મંજૂરી આપી દીધી છે. બન્ને વિમાન સ્વદેશી રૂપથી વિકસિત છે અને આ સોદાની કિંમત લગભગ 1.1 લાખ કરોડ રૂપિયા છે. તેજસ માર્ક 1-એ યુદ્ધ વિમાનોને ભારત વાયુસેના માટે અને હેલિકોપ્ટરને વાયુસેના સાથે સાથે ભૂમિદળ માટે ખરીદવામાં આવશે.   રક્ષા ખરીદ પરિષદે અમુક અન્ય સોદાને પણ મંજૂરી આપી છે અને સોદાની કુલ કિંમત 2 લાખ કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે. આ સોદાને મંજૂરી મળતાની સાથે જ આ ભારતના ઈતિહાસમાં સ્વદેશી નિર્માતાઓને મળનારો સૌથી મોટો ઓર્ડર છે. 

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતાની સમિતિએ પોતાના સુખોઈ-30 યુદ્ધ વિમાનને અપગ્રેડ કરવાના વાયુસેનાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે. મેગા ડીલ અને સુખોઈના અપગ્રેડેશનથી સરકારી તિજોરી ઉપર 1.3 લાખ કરોડનો ખર્ચ આવી શકે છે. આ મામલે ટૂંક સમયમાં વિવરણ સાથે સરકાર માહિતી જારી કરશે. 

મંજૂરી બાદ ભારતીય વાયુસેના દ્વારા ખરીદવામાં આવેલા સ્વદેશી તેજસ વિમાનોની સંખ્યા 180 થઈ જશે. ફેબ્રુઆરી 2021મા રક્ષા મંત્રાલયે વાયુસેના માટે 83 તેજ એમકે 1એ વિમાનને ખરીદવા માટે સરકાર સંચાલિત હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે 48,000 કરોડ રૂપિયાનો સોદો કર્યો હતો. આ ઉપરાંત ભારત સરકાર લગભગ 40,000 કરોડ રૂપિયાની પડતરથી બીજા સ્વદેશી વિમાનવાહક જહાજના નિર્માણના નૌકાદળના પ્રસ્તાવ ઉપર સકારાત્મક રૂપથી વિચાર કરવા માટે તૈયાર છે. આ એક મોટું પગલું છે જે હિંદ મહાસાગરમાં ચીનની વધી રહેલી ગતિવિધીથી ઉત્પન્ન ચિંતાઓની પૃષ્ટભૂમિમાં સામે આવ્યું છે. 

શીર્ષ સરકારી સૂત્રોના કહેવા પ્રમાણે રક્ષા મંત્રાલયની પ્રમુખ સંસ્થા રક્ષા ખરીદ બોર્ડે મહત્ત્વાકાંક્ષી પ્રસ્તાવને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. જેનાથી સરકાર બીજા સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર માટે તૈયાર હોવાનો સંકેત મળે છે. જેને આઈએસી-2ના નામથી ઓળખવામાં આવશે. સૂત્રોના કહેવા પ્રમાણે આ મોટો ખરીદ પ્રસ્તાવ ટૂંક સમયમાં રક્ષા મંત્રાલયની ખરીદી સંબંધિત સમિતિ ડીએસી સમક્ષ રજૂ કરવામાં આવશે. 

Budget 2024 LIVE
હેડલાઇન્સ