• શનિવાર, 02 માર્ચ, 2024

રાજ્યસભામાં જયહિન્દ, વંદે માતરમ જેવી નારાબાજીની મનાઈ

રાજ્યસભા સાંસદો માટે નવા દિશાનિર્દેશ

વિષયોનો આગોતરો પ્રચાર કોઈ કરી નહીં શકે: સભાપતિની આલોચનાની પણ મનાઈ

નવી દિલ્હી, તા. 30 : આગામી સપ્તાહે શરૂ થતાં સંસદનાં શિયાળુ સત્ર પહેલા રાજ્યસભાનાં સાંસદો માટે અનેક મહત્ત્વનાં દિશાનિર્દેશ જારી કરી દેવામાં આવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યસભામાં ઉઠાવવામાં આવતા વિષયોનો પ્રચાર ન થવો જોઈએ. આટલું જ નહીં જ્યાં સુધી સભાપતિ નોટિસને સ્વીકારે નહીં ત્યાં સુધી તેની જાણકારી અન્ય કોઈ સાથી સાંસદને પણ આપવી નહીં. આ ઉપરાંત ગૃહમાં થેંક્સ, થેંક્યૂ, જયહિન્દ, વંદે માતરમ જેવી નારાબાજી પણ કરી શકાશે નહીં. 

સંસદનાં શીતકાલીન સત્ર પહેલા સાંસદો માટે જારી કરવામાં આવેલા નિયમોમાં સંસદીય પરંપરા અને રીતભાતનો હવાલો આપીને કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધી સાંસદો, વિશેષ કરીને વિપક્ષનાં સાંસદ રાજ્યસભામાં કોઈપણ મહત્ત્વપૂર્ણ વિષય ઉઠાવવાની નોટિસો જાહેર કરતા આવ્યા છે. જે હવેથી કરી શકાશે નહીં.

રાજ્યસભા સાંસદો માટેનાં નિર્દેશોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, સભાપતિ દ્વારા આપવામાં આવેલી વ્યવસ્થાની સદનની અંદર કે બહાર આલોચના પણ થવી ન જોઈએ. જારી નિર્દેશોમાં રાજ્યસભા સદસ્યો માટે એપ્રિલ 2022માં પ્રકાશિત હેંડબૂકમાં ઉલ્લેખિત સંસદીય પરંપરા અને રિવાજને યાદ અપાવીને આગળ કહેવામાં આવ્યું છે કે, સદનમાં તક્તીઓ લહેરાવવા ઉપર રોક છે અને આસનને પીઠ પણ દેખાડવી નહીં.

સભાપતિ બોલતા હોય ત્યારે સદન છોડવાની મનાઈ પણ કરવામાં આવી છે. સભાપતિ બોલતા હોય ત્યારે સદનમાં શાંતિ જળવાવી જોઈએ. આટલું જ નહીં, સદનમાં એકસાથે બે સદસ્ય ઉભા પણ થઈ શકશે નહીં. કોઈપણ સદસ્ય સીધા સભાપતિ પાસે ન જાય બલ્કે એટેન્ડન્ટનાં માધ્યમથી ચિઠ્ઠી મોકલી શકશે. 

નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે, સદસ્યોએ લિખિત ભાષણ વાંચવા ન જોઈએ. સદનમાં સભ્યની ઉપસ્થિતિ નોંધાવી પણ આવશ્યક છે. જો અનુમતિ વગર કોઈ સાંસદ 60 દિવસ સુધી ગેરહાજર રહેશે તો તેની બેઠક ખાલી ઘોષિત કરી શકાય છે. સંસદનાં પરિસરમાં ધૂમ્રપાનની મનાઈ છે. આ ઉપરાંત સદનની કાર્યવાહીની વીડિયોગ્રાફી પણ પ્રતિબંધિત છે. નવા સદસ્યનું પહેલું ભાષણ 1પ મિનિટથી લાંબુ ન હોવું જોઈએ અને પોતાનાં મૂળ વિષયને ચાતરીને કંઈ બોલવું નહીં.

રાજ્યસભા સાંસદો માટેની નિયમાવલી

·        રાજ્યસભામાં ઉઠાવવામાં આવનારા વિષયનો પ્રચાર નહીં થઈ શકે

·        જ્યાં સુધી સભાપતિ નોટિસ સ્વીકારે નહીં ત્યાં સુધી તેની જાણ અન્ય સાંસદને પણ કરવી નહીં

·        સદનમાં થેંક્સ, થેંક્યૂ, જયહિન્દ કે વંદે માતરમ જેવી નારાબાજીની મનાઈ

·        સભાપતિ દ્વારા આપવામાં આવતી વ્યવસ્થાની આલોચના થઈ શકશે નહીં

·        સદનમાં તક્તીઓ લહેરાવવાની મનાઈ

·        સભાપતિનાં આસનને પીઠ બતાવવી નહીં

·        સભાપતિ બોલતા હોય ત્યારે કોઈ ગૃહ છોડી શકશે નહીં, શાંતિ રાખવી

·        સદનમાં એકસાથે બે સદસ્યએ ઉભા ન થવું

·        સદસ્યોએ લિખિત ભાષણ ન વાંચવા

·        મંજૂરી વિના 60 દિવસની ગેરહાજરી નોંધાય તો સદસ્યતા રદ થઈ શકશે

·        સંસદનાં પરિસરમાં ધૂમ્રપાનની મનાઈ

·        સદનની કાર્યવાહીની વીષ્ડિયોગ્રાફી પ્રતિબંધિત

·        કોઈએ સીધા સભાપતિ પાસે ન જવું, ચિઠ્ઠી મોકલી શકાશે

Budget 2024 LIVE
હેડલાઇન્સ