• શનિવાર, 02 માર્ચ, 2024

ત્રણ રાજ્યોમાં હારથી `ઈન્ડિયા' એલાયન્સમાં કૉંગ્રેસની વગ ઘટશે

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 4 : પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામોમાં કૉંગ્રેસને ફકત તેલંગણામાં જ વિજય મળ્યો છે. કૉંગ્રેસ માટે આ પરિણામો આંચકાજનક હોવાથી `ઈન્ડિયા' એલાયન્સમાં તેની વગ અને વર્ચસ ઘટશે. તેને હવે `બેકફૂટ' ઉપર રહેવું પડશે.

પાંચ રાજ્યોની ચૂંટણીની ઘોષણા થઈ તે પહેલાં 31મી અૉગસ્ટ અને પહેલી સપ્ટેમ્બરે `ઈન્ડિયા' એલાયન્સની બેઠક મુંબઈમાં થઈ હતી. ત્યારપછી `ઈન્ડિયા' કેવી રીતે આગળ ધપશે? એ વિશેની ચર્ચા બંધ થઈ ગઈ હતી. 

તેલંગણામાં લોકસભાની ફકત 17 બેઠકો છે. વર્ષ 2019માં તેમાંથી કૉંગ્રેસને માત્ર ત્રણ બેઠકો મળી હતી.

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગણામાં રવિવારે મતગણતરી ચાલુ હતી તે સમયે જ મતગણતરીના પ્રવાહોની વિગતો આવવા માંડી ત્યારથી જ `ઈન્ડિયા' એલાયન્સમાં કૉંગ્રેસનું વર્ચસ્વ અને કેટલી ટકશે? તે વિશે સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ હતી. કર્ણાટકમાં વિજય પછી કૉંગ્રેસનું સ્થાન દેશના વિપક્ષોમાં મહત્ત્વનું ગણાતું હતું, પરંતુ આ ચાર રાજ્યોની ચૂંટણીનાં પરિણામો પછી કૉંગ્રેસનો રથ થોડો નીચે આવ્યો છે એમ કહી શકાય.

ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પ. બંગાળ, તામિલનાડુ, પંજાબ અને દિલ્હીમાં લોકસભાની 269 બેઠકો છે. આ રાજ્યોમાં હવે સમાજવાદી પાર્ટીના અખિલેશ, બહુજન સમાજવાદી પાર્ટીનાં માયાવતી, જનતા દળના નીતિશકુમાર, રાષ્ટ્રીય જનતા દળના તેજસ્વી યાદવ, રાષ્ટ્રવાદી (શરદ પવાર)ના શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે જૂથના ઉદ્ધવ ઠાકરે, દ્રમુકના સ્ટાલિન અને `આપ'ના કેજરીવાલ કૉંગ્રેસને પોતાના કરતાં અગત્યનું સ્થાન આપવાનો વિરોધ કરશે એ સ્પષ્ટ છે.

કૉંગ્રેસને મધ્યપ્રદેશમાં પોતાના દેખાવ ઉપર ખૂબ જ આત્મવિશ્વાસ હતો. તેથી તેણે `ઈન્ડિયા' એલાયન્સના સાથી સમાજવાદી પાર્ટીને એક પણ બેઠક ફાળવી નહોતી. `આપ'એ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ઉમેદવારો ઊભા રાખ્યા હતા, પરંતુ તે કોઈ ખાસ અસર ઉપજાવી શકી નથી. મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કૉંગ્રેસ અને અખિલેશ યાદવની આગેવાની હેઠળના સમાજવાદી પાર્ટી વચ્ચે તકરાર જોવા મળી હતી.

Budget 2024 LIVE
હેડલાઇન્સ