• શનિવાર, 02 માર્ચ, 2024

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે `િમશન-48' માટે સજ્જ

મુંબઈ, તા. 4 : આગામી લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રની તમામ લોકસભા બેઠકો જીતવાનું `િમશન-48' મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ હાથમાં લીધું છે. મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ સંસદસભ્ય ચૂંટી લાવવાનો ઠરાવ આજે મુંબઈમાં યોજાયેલી શિવસેનાની પ્રતિનિધિ સભામાં મંજૂર કરવામાં આવ્યો. શિવસેનાના શિવસંકલ્પ અભિયાન હેઠળ આગામી લોકસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધનના સંસદસભ્ય ચૂંટી લાવવાની પ્રતિજ્ઞા લેવામાં આવી. 

`રામટેક' બંગલામાં યોજાયેલી શિવસેનાની પ્રતિનિધિ સભામાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, શિવસેનાના નેતા રામદાસ કદમ, આનંદરાવ અડસૂળ, મીના કાંબળી, શાળા શિક્ષણપ્રધાન દીપક કેસરકર, ઉદ્યોગપ્રધાન ઉદય સામંત, શિવસેનાના પક્ષ પ્રતોદ ભરતશેઠ ગોગાવલે, તમામ પ્રધાનો, સંસદસભ્ય, વિધાનસભ્ય અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરની ચૂંટણીમાં ભાજપને મળેલી સફળતા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને અભિનંદન આપનારાં ઠરાવ સાથે અન્ય ત્રણ ઠરાવ મંજૂર કરવામાં આવ્યાં.

મુખ્ય પ્રધાને આ પ્રસંગે જણાવ્યું કે સ્વ. બાળાસાહેબ ઠાકરેએ સ્થાપિત કરેલા શિવસેના પક્ષ અને ચિહ્ન ચૂંટણી પંચે આપણને આપ્યા બાદ હવે આ પક્ષની નવેસરથી બાંધણી કરવાની છે. રાજ્યમાં સરકારની સ્થાપના બાદ ખેડૂતો, શ્રમિકો, કામદારો, મહિલાઓને રાહત આપતા અનેક નિર્ણય લેવામાં આવ્યા છે. એક રૂપિયામાં કૃષિ વિમો, નિ:શુલ્ક આરોગ્ય સેવા, ખેતીમાં બમણું વળતર, બાળાસાહેબ ઠાકરે આપણું દવાખાનું અને `લેક લાડકી' જેવી અનેક યોજના શરૂ કરી છે. તેમણે કહ્યું કે આ યોજનાઓ લોકો સુધી પહોંચાડીને વધુમાં વધુ લોકોને એનો લાભ મેળવી આપવાનો પ્રયત્ન કરવાનો છે.

આ સભામાં શિવસેના પ્રાથમિક સભ્ય નોંધણી અભિયાનનો શુભારંભ મુખ્ય પ્રધાનના હસ્તે કરવામાં આવ્યો. સભ્યપદ મેળવવા માટે નોંધણી ફોર્મ પ્રત્યક્ષ ભરવાનો અથવા મોબાઈલ નંબર 7703077030 પર મિસ કૉલ આપીને મળનારી લિન્ક પર ફોર્મ ભરીને પક્ષનું સભ્યપદ લેવાનો અથવા ક્યુઆર કૉડ સ્કૅન કરીને ફોર્મ ભરી આપ્યા બાદ ઓળખપત્ર ડાઉનલોડ કરીને સભ્યપદ લેવું, એ ત્રણ પર્યાય ઉપલબ્ધ કરી આપવામાં આવ્યા છે.

Budget 2024 LIVE
હેડલાઇન્સ