• શનિવાર, 02 માર્ચ, 2024

ભાજપના ચૂંટણી વિજયને વધાવતાં શૅરબજાર

સેન્સેક્સ 1384, નિફ્ટી 419 પૉઇન્ટ્સ ઊછળ્યા

રોકાણકારોને રૂા.  5.77 લાખ કરોડનો લાભ

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 4 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશનાં ત્રણ મુખ્ય રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપના દમદાર વિજયને સોમવારે શૅરબજારે વધાવી લીધો હતો અને દરેક સેક્ટર્સના શૅરમાં ચોમેર ખરીદી નીકળી હતી. સ્થાનિક રોકાણકારો સાથે વિદેશી રોકાણકારો (એફઆઈઆઈ)એ પણ ચોખ્ખી ખરીદી કરતાં સેન્સેક્સ 1384 પૉઇન્ટ્સ અને નિફ્ટી 419 પૉઇન્ટ્સથી અધિક વધ્યા હતા. સત્રના અંતે સેન્સેક્સ 68,865.12ના સ્તરે અને નિફ્ટી 20,686.80ના સ્તરે બંધ આવ્યા હતા અને તે સાથે રોકાણકારોના પોર્ટફોલિયોમાં રૂા. 5.77 લાખ કરોડનો ઉમેરો થયો હતો. વિવિધ વૈશ્વિક પરિબળોના પગલે નિફ્ટી આ સપ્તાહમાં જ 20,500ના સ્તરને વટાવે તેવી અગાહી થઈ હતી, પરંતુ ભાજપના નેત્ર દીપક વિજયના પગલે સપ્તાહના પહેલા જ દિવસે નિફ્ટીએ આજે 20,686નું સ્તર પાર કર્યું હતું.

માર્કેટ સમીક્ષકોના જણાવ્યા મુજબ દેશની પ્રગતિને વેગ આપનારાં પરિણામો આવતાં શૅરબજારમાં રોકાણકારોએ મન મૂકીને ખરીદી કરી હતી. આજે તેજીનું જાણે રીતસર ટૅકઅૉફ થયું હતું અને એફઆઈઆઈ અને ડીઆઈઆઈએ કુલ રૂા. 35,000 કરોડની ખરીદી કરી હતી.

બીએસઈ ઉપર તમામ લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કૅપમાં નોંધપાત્ર વધારો થયો હતો. સેન્સેક્સમાં એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બૅન્ક, એલઍન્ડટી, એનટીપીસી અને ઍરટેલ ટૉપ ગેઇનર હતા અને પ્રત્યેક શૅર બે ટકાના ઉછાળે ટ્રેડ કરી રહ્યા હતા. આ સમયે એચડીએફસી બૅન્ક, બજાજ ફાઇનાન્સ અને એક્સિસ બૅન્કના શૅર્સ પણ વધ્યા હતા.

જિયોજિત ફાઇનાન્સિયલ સર્વિસીસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે. વિજય કુમારે આજની તેજી માટે ત્રણ રાજ્યોમાં ભાજપની જબરદસ્ત જીતના પગલે બજારમાં રોકાણકારોને મળેલા નવા આત્મવિશ્વાસને મુખ્ય કારણ ગણાવ્યું હતું. ભાજપની જીતથી શૅરબજાર માટે અનુકૂળ વાતાવરણ ભવિષ્યમાં રહેશે અને આર્થિક સુધારાની ગતિમાં અવરોધ નહીં આવે તેવી ખાતરી રોકાણકારોને થતાં તેજી પૂરબહારમાં આગળ વધી હતી.

આજે એશિયન શૅરબજારોમાં મિશ્ર માહોલ હતો. જપાનનો નિક્કી 0.60 ટકા અને હેંગસેંગ 1.09 ટકાના ઘટાડે જ્યારે કોસ્પી 0.40 ટકાના અને અૉસ્ટ્રેલિયાનો એએસએક્સ 0.73 ટકાના વધારા સાથે બંધ થયા હતા.

બીજી તરફ, યુરોપમાં લંડન શૅરબજાર 0.18 ટકાના ઘટાડે ટ્રેડમાં હતું, જ્યારે જર્મન ડેક્સ 0.21 ટકા અને ફ્રાન્સનો સીએસી 0.05 ટકાના વધારા સાથે ટ્રેડમાં હતા. ગોલ્ડ 2.40 ડૉલરના ઘટાડે 2087.30 ડૉલર પ્રગતિ ઔંસ અને સિલ્વર 27 સેન્ટના ઘટાડે 25.57 ડૉલર પ્રતિ ઔંસ ટ્રેડમાં હતા. બ્રેન્ટ ક્રૂડ 1.03 ડૉલરના ઘટાડે પ્રતિ બેરલ 77.85ના સ્તરે રનિંગ હતું.

શૅરબજાર અને બૅન્કિંગ ક્ષેત્રના સમીક્ષક ચેતન દામાણીએ તેમની પ્રતિક્રિયામાં જણાવ્યું છે કે પાંચ રાજ્યોની ચૂંટણીની સેમિફાઇનલનાં પરિણામો પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવચનમાં જે આત્મવિશ્વાસ લોકોએ જોયો. શૅરબજારે આ પરિણામોને બહુ જ ઊમળકા અને ઉત્સાહથી વધાવી લીધા છે. શૅરબજારમાં જાણે દિવાળી આવી છે. સી.એન.બી.સી.ના અનુજ સિંઘલે આ માર્કેટમાં માથે વેચવાની ભૂલ નહીં કરવાની સલાહ આપી છે. શૅરબજારના વિશેષજ્ઞો મધુ કેલા, ગુરમીત ચઢ્ઢાએ બૅન્કો, નાણાકીય કંપનીઓ અને ઇન્સ્યોરંસ કંપનીઓ માટે બહુ તેજીકારક અભિપ્રાય આપ્યો છે.

શૅરબજારના અનુભવી ઇન્વેસ્ટર રમેશ દામાણીએ કહ્યું કે જાહેરક્ષેત્રની કંપનીઓના શૅર્સમાં બહુ મોટી તેજીની અપેક્ષા છે. રમેશ દામાણીએ આવતા 15-20 વર્ષમાં નિફ્ટી વધુ 20,000 પૉઇન્ટ્સ વધી શકે એવી ઊંચી આશા વ્યક્ત કરી છે.

Budget 2024 LIVE
હેડલાઇન્સ