• શનિવાર, 02 માર્ચ, 2024

હારનો ગુસ્સો સંસદમાં ન ઠાલવતા : મોદી

શિયાળુ સત્રના પ્રારંભે વડા પ્રધાનના વિપક્ષ પર પ્રહાર

નવી દિલ્હી, તા. 4 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંસદનું શિયાળુ સત્ર થવાથી પહેલાં વિપક્ષને વિધાનસભા ચૂંટણીની હારનો ગુસ્સો ગૃહમાં નહીં કાઢવાની અપીલ કરી હતી. સાથોસાથ ચૂંટણી પરિણામો અંગે વડાપ્રધાને જણાવ્યું હતું કે, દેશે નકારાત્મકતાને નકારી દીધી છે. 

લોકસભામાં મોદી પહોચતાં જ એનડીએના સાંસદોએ જોરદાર સ્વાગત કરીને બાર બાર મોદી સરકાર, તીસરી બાર મોદી સરકારના નારા લગાવ્યા હતા. 

એ પહેલાં વિપક્ષની હાર પર પ્રહાર કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે, ચૂંટણીમાં પરાજયનો ગુસ્સો સંસદમાં ન કાઢજો, ગૃહમાં સકારાત્મક વલણ સાથે ચર્ચા કરજો.

લોકસભામાં કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ બેનર લહેરાવ્યાં હતા. તેના પર સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે, આપ ગૃહમાં પ્લેકાર્ડસ લાવી નથી શકતા, ગૃહ નિયમો મુજબ જ ચાલશે.

વિપક્ષ પર પ્રહાર કરવાની સમાંતરે મોદીએ વિપક્ષનું મહત્વ પણ રેખાંકિત કરતાં કહ્યું હતું કે, લોકતંત્રમાં પક્ષ અને વિપક્ષ બન્ને બરાબરનું મહત્ત્વ ધરાવે છે. 

વડાપ્રધાને રાજકીય પક્ષોને ચૂંટણીનાં પરિણામો સકારાત્મક રીતે દેશની સમક્ષ રજૂ કરવાની પણ અપીલ કરી હતી. 

લોકોની આકાંક્ષાઓને મજબૂત કરવા માટે લોકતંત્રનું મંદિર મહત્વપૂર્ણ મંચ છે. મારો તમામ સભ્યોને અનુરોધ છે કે, તૈયારી સાથે આવો અને સંસદમાં રજૂ વિધેયકો પર ગહન ચર્ચા કરો, તેવું મોદીએ જણાવ્યું હતું. 

હળવાશભર્યા સૂરમાં વડાપ્રધાને કહ્યું હતું કે, દેશમાં ઠંડી ધીમી ગતિએ વધી રહી છે, પરંતુ રાજકીય ગરમી ગતિભેર વધી રહી છે. 

આ વખતે વિધાનસભાની ચૂંટણીઓ પછી જાહેર થયાં છે, તે દેશનાં ઉજ્જવળ ભવિષ્યને સુનિશ્ચિત કરનારાં પરિણામ છે, તેવું તેમણે ઉમેર્યું હતું.

Budget 2024 LIVE
હેડલાઇન્સ