• શનિવાર, 25 માર્ચ, 2023

પ્રીડેટર ડ્રોનની વાતચીત આખરી તબક્કામાં

ડોભાલ અમેરિકાની મુલાકાતે

નવી દિલ્હી, તા. 2: ભારત અને અમેરિકા વચ્ચે ત્રણ બિલિયન ડોલરની મહત્ત્વની સુરક્ષા સમજૂતી જલ્દી થઈ શકે છે. આ સોદા હેઠળ ભારતને અમેરિકા પાસેથી 30 એમક્યુ-9બી પ્રીડેટર ડ્રોન્સ મળશે. આ ડીલથી ભારતની એલએસી અને હિંદ મહાસાગરમાં દેખરેખની ક્ષમતામાં વધારો થશે અને સુરક્ષા વધારે મજબૂત બનશે. બન્ને દેશ વચ્ચે આ ડીલને લઈને પાંચ વર્ષથી વાતચીત ચાલી રહી છે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ અમેરિકાના પ્રવાસે છે અને તેઓએ અમેરિકી અધિકારી તેમજ અમેરિકાના સુરક્ષા સલાહકાર જેક સુલ્લિવન સાથે પણ આ ડીલ મામલે વાતચીત કરી છે તેમજ ભારત અને અમેરિકા વચ્ચે સૈન્ય સહયોગ વધારવા માટેનો મેગા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેનાથી રશિયા ઉપરની નિર્ભરતા ઓછી કરવામાં આવશે. 

અમેરિકાની રાજનીતિક રક્ષા મામલાની પ્રમુખ જેસિકા લેવિસને પ્રિડેટર ડ્રોનને લઈને સવાલ કરવામાં આવ્યો હતો. જેના ઉપર કહેવામાં આવ્યું હતું કે, પાંચ વર્ષથી ડીલ ઉપર વાતચીત કરવામાં આવી રહી છે અને હવે ડીલ શક્ય બનવાની શક્યતા છે. જો કે ડીલ ઉપર વધારે જાણકારી આપવાનો ઈનકાર કરી દીધો હતો. અહેવાલ છે કે ભારત અને અમેરિકા બન્ને દેશ ઈચ્છે છે કે બને તેટલી ઝડપથી આ ડીલ ફાઇનલ કરવામાં આવે કારણ કે, બાયડન સરકારના મતે ડીલથી રોજગારમાં વૃદ્ધિ થશે અને આ ડીલને એક ઉપલબ્ધી તરીકે પણ બતાવવામાં આવશે. એટલે આગામી વર્ષે થનારી ચૂંટણીમાં તેનો ફાયદો ઉપાડી શકાય. 

ભારતની સેનાની ત્રણેય પાંખને 10-10 પ્રીડેટર ડ્રોન્સ મળવના છે. આ ડ્રોન્સની ખાસિયત એવી છે કે કોઈપણ હાલતમાં દેખરેખની ક્ષમતા રાખે છે. આ ઉપરાંત લાંબા સમયથી આકાશમાં રહી શકે છે તેમજ પેલોડ લઈને એક સ્થળેથી બીજાં સ્થળે પહોંચી શકે છે. એઆઈ અને મશીન લર્નિંગ ટેક્નોલોજીથી લેસ ડ્રોન ડેટાની સમીક્ષા કરીને તેને અલગ અલગ સ્થળે વિતરિત કરી શકાય. એટલે ઇમર્જન્સીની સ્થિતિમાં તાકીદે એક્શન લઈ શકાય. સર્વેલન્સ સાથે રાહત અને બચાવ કાર્યમાં પણ ઉપયોગી છે.