• બુધવાર, 24 એપ્રિલ, 2024

ખેડૂતો નવી ટેક્નૉલૉજી અને ડિજિટલ માધ્યમથી સશક્ત બનશે : વડા પ્રધાન

આનંદ કે. વ્યાસ તરફથી 

નવી દિલ્હી, તા. 16 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક ખાદ્ય અને પોષણ સંબંધી સુરક્ષા માટે ખેડૂતોને ડિજિટલ અને અવનવી ટૅક્નૉલૉજીથી સશક્ત કરવા પર ભાર મૂક્યો છે. તેમણે વીડિયો લિન્ક દ્વારા હૈદરાબાદમાં આયોજિત કૃષિ પ્રધાનોની મીટિંગમાં જી-20 પ્રતિનિધિઓને સંબોધિત ર્ક્યા. દેશના અનુભવ વિશે જણાવતાં તેમણે કહ્યું કે ભારત એક નીતિનું અનુસરણ કરી રહ્યો છે. ભારતની નીતિ `બૅક ટુ બેઝિક્સ અને માર્ચિંગ ટુ ધ ફ્યુચર' રહી છે. ભારત પ્રાકૃતિક ખેતી સાથે ટૅક્નૉલૉજી અને પશુપાલનને પ્રોત્સાહન આપીને ભવિષ્ય તરફ આગળ વધી રહ્યો છે.

તેમણે કહ્યું કે ભારતના ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી કરી રહ્યા અને તેઓ ધરતીની ગુણવત્તા જાળવવા જૈવિક ખાતરનો અને ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ ખેતી માટે સૌર ઊર્જા અને સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી રહ્યા છે. `ઈન્ટરનેશનલ યર અૉફ મિલેટ્સ'નો ઉલ્લેખ કરીને વડા પ્રધાને કહ્યું કે સુપર ફૂડ સામાન્ય રીતે આરોગ્ય માટે લાભદાયક છે અને ભારતમાં મિલેટ ઈન્સ્ટિટયૂટ વિકસિત કરવામાં આવી રહી છે.

વડા પ્રધાને જમીનની ગુણવત્તા વધારવા અને અન્ય પદ્ધતિઓ અપનાવવાની જરૂર પર ભાર મૂક્યો. તેમણે પ્રતિનિધિઓને વૈશ્વિક ખાદ્ય સુરક્ષા માટે એક સામૂહિક દૃષ્ટિકોણ પર વિચારવિમર્શ કરવાનો આગ્રહ ર્ક્યો જે ટકાઉ અને વ્યાપક હોય. વૈશ્વિક ખાતર શ્રૃંખલા સુદૃઢ કરવા અને માટીની ગુણવત્તા તથા ઉપજ વધારવાના માર્ગ શોધવાનું પણ તેમણે જણાવ્યું.

ઇ-પેપરના નવા શુલ્ક