• મંગળવાર, 23 એપ્રિલ, 2024

કોરોના લૉકડાઉનમાં બોરીસ જોનસને બ્રિટિશ સંસદને ગેરમાર્ગે દોરી

સંસદીય સમિતિના અહેવાલથી પૂર્વ વડા પ્રધાનની મુશ્કેલી વધી

લંડન, તા. 16 : બ્રિટનનાં પૂર્વ વડાપ્રધાન બોરિસ જોનસને ડાઉનિંગ સ્ટ્રીટમાં કોવિડ-19 સંબંધિત નિયમોને તોડીને યોજવામાં આવેલી પાર્ટીની જાણકારી હોવાનો ઈનકાર કરીને સંસદને જાણીજોઈને વારંવાર ગેરમાર્ગે દોરવી હતી. તેવો દાવો બ્રિટિશ સંસદની એક સર્વપક્ષીય સમિતિએ પોતાનાં અહેવાલમાં દાવો કર્યો છે. 

ઉલ્લેખનીય છે કે 10 ડાઉનિંગ સ્ટ્રીટ બ્રિટિશ વડા પ્રધાનનું સત્તાવાર કાર્યાલય અને આવાસ છે. સંસદની વિશેષાધિકાર સમિતિએ પાર્ટીગેટ કાંડમાં પોતાનો અંતિમ રિપોર્ટ આપી દીધો છે. આનાં થોડા દિવસ પૂર્વે પ8 વર્ષીય જોનસને સમિતિનાં સદસ્યો ઉપર પોતાની પાછળ પડી જવાનો આરોપ લગાવતા સંસદની સદસ્યતા ઉપરથી રાજીનામું આપી દીધું હતું.

સમિતિ દ્વારા જોનસનને સંસદનાં નિયમોનું ઉલ્લંઘન કરવા માટે જવાબદાર ઠરાવ્યા છે અને સમિતિની ઈમાનદારી ઉપર જોનસનનાં આક્ષેપોની નિંદા પણ કરી હતી. સમિતિએ ભલામણ કરી હતી કે જો જોનસન સંસદમાંથી રાજીનામું નહીં આપે તો તેમને 90 દિવસ માટે સસ્પેન્ડ કરી નાખવામાં આવશે. સમિતિ એવા નિષ્કર્ષ ઉપર પહોંચી છે કે, જોનસને ઈરાદાપૂર્વક સંસદને ગુમરાહ કરીને તેની ગંભીર અવમાનના કરી છે.