• શનિવાર, 25 માર્ચ, 2023

રોકાણકારોનું હિત સર્વોપરી  

એફપીઓ ખેંચ્યા બાદ ગૌતમ અદાણીનું નિવેદન

નવી દિલ્હી, તા. 2 : અદાણી એન્ટરપ્રાઈઝ તરફથી ગઈકાલે બુધવારની રાત્રે 20 હજાર કરોડ રૂપિયાનો એફપીઓ પાછો ખેંચવાના એલાન બાદ અદાણી જૂથના અધ્યક્ષ ગૌતમ અદાણીએ ગુરુવારે જણાવ્યું હતું કે, રોકાણકારોનું હિત મારા માટે સર્વોપરી છે, બાકી બધું ગૌણ છે સાથોસાથ જાણકારોના પૈસા પાછા આપી દેવાનું એલાન પણ કર્યું હતું.

અદાણીએ રાત્રે મોડેથી લેવાં પડેલા આટલાં મોટા પગલાં પાછળનું કારણ સમજાવતાં કહ્યું હતું કે, આ પગલાંએ અનેક લોકોને ચોંકાવી દીધા હશે. પરંતુ બજારના ચડાવ-ઉતારને નજર સામે રાખતાં બોર્ડે દૃઢતા સાથે એવો અનુભવ કર્યો હતો કે, એફપીઓ સાથે આગળ વધવું નૈતિક રીતે યોગ્ય નહીં રહે તેવું તેમણે સ્પષ્ટ કર્યું હતું.

દિગ્ગજ ઉદ્યોગપતિએ ભારપૂર્વક કહ્યું હતું કે, ચાર દાયકા કરતાં વધુ સમયથી મારી યાત્રામાં મને ખાસ કરીને રોકાણકાર સમુદાયનું ભારે સમર્થન મેળવવાનું સદ્ભાગ્ય મળ્યું છે.

મારા માટે એ સ્વીકારવું મહત્ત્વપૂર્ણ છે કે, મેં જે કંઈ થોડું ઘણું જીવનમાં હાંસિલ કર્યું છે તે રોકાણકારોના વિશ્વાસના કારણે છે. હું મારી સફળતાનું શ્રેય તેમને આપું છું, તેવું અદાણીએ ઉમેર્યું હતું. અદાણી જૂથના સૂત્રધારે કહ્યું કે, અમારી કંપનીના પાયા મજબૂત છે. બેલેન્સ સીટ મજબૂત છે. સંપત્તિ મજબૂત છે. ઋણની જવાબદારીઓ પૂરી કરવાનો ટ્રેક રેકોર્ડ છે. અમે લાંબા ગાળાના મૂલ્ય નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું જારી રાખશું, ભવિષ્યમાં પણ રોકાણકારોનો પૂરતો સહયોગ મળવાનો વિશ્વાસ છે, તેવું તેમણે કહ્યું હતું.