• ગુરુવાર, 21 સપ્ટેમ્બર, 2023

ગિલની 10 છગ્ગાથી આતશી સદી : મુંબઇ સામે ગુજરાતના 3/233   

સિઝનની ત્રીજી સદી ફટકારી ગિલે 60 દડામાં 129 રન કર્યાં: ઓરેન્જ કેપ પણ કબજે કરી: ફાઇનલમાં પહોંચવા મુંબઇ સામે 234 રનનું કઠિન લક્ષ્ય

અમદાવાદ તા.26 : રનમીશન શુભમન ગિલની 10 છકકાથી આતશી સદી 129 રનની મદદથી આઇપીએલના એલિમિનેટર મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ વિરૂધ્ધ ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 3 વિકેટે 233 રનનો મોટો સ્કોર ખડક્યો હતો. શુભમન ગિલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રનની આંધી સર્જીને માત્ર 60 દડામાં 7 ચોકકા અને 10 છકકાથી 129 રનની ઇનિંગ રમી હતી. આઇપીએલની વર્તમાન સિઝનની તેની આ ત્રીજી સદી છે. આ ઉપરાંત સૌથી વધુ રન માટેની ઓરેન્જ કેપ હાંસલ કરનારો પણ તે આઇપીએલ ઇતિહાસનો સૌથી યુવા બેટધર બની ગયો છે. તેના નામે હવે 16 ઇનિંગમાં 845 રન થઇ ગયા છે. શુભમન ગિલનો શરૂઆતમાં જ ટિમ ડેવિડે કેચ પડતો મુકયો હતો જે મુંબઇને ઘણો મોંઘા પડયો હતો. આ ઉપરાંત મુંબઇના કપ્તાન રોહિત શર્માનો ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરવાનો નિર્ણય પણ નિષ્ફળ રહ્યો હતો. અમદાવાદમાં કમોસમી વરસાદને લીધે મેચ 30 મિનિટ મોડો શરૂ થયો હતો. ફાઇનલમાં પહોંચવા માટે મુંબઇએ 234 રન કરવા પડશે. જયારે ગુજરાતે તેના 233 રનના સ્કોરનો બચાવ કરવો પડશે.

શુભમન ગિલે તેના 50 રન 32 દડામાં પૂરા કર્યાં હતા. આ પછી તેણે ટોપ ગિયરમાં બેટિંગ કરીને મુંબઇના તમામ બોલરો સામે રનની રમઝટ બોલાવી હતી. તેણે પછીના 79 રન ફકત 28 દડામાં કર્યાં હતા. તેના અને સાંઇ સુદર્શન વચ્ચે બીજી વિકેટમાં 64 દડામાં 138 રનની આક્રમક ભાગીદારી થઇ હતી. સુદર્શન 31 દડામાં 5 ચોગ્ગા-1 છગ્ગાથી આખરી ઓવરમાં રિટાયર્ડ આઉટ થયો હતો. 

હેડલાઇન્સ