• શનિવાર, 25 માર્ચ, 2023

બીજી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડ વિરુદ્ધ કિવિઝની માત્ર એક રને દિલધડક જીત

ફોલોઓન બાદ જીત હાંસલ કરનાર ન્યૂ ઝીલૅન્ડ માત્ર ત્રીજી ટીમ

વેલિંગ્ટન, તા.28 : ન્યુઝીલેન્ડની ટીમે બીજા ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે માત્ર એક રને અતિ રોચક જીત મેળવીને ઇતિહાસ રચ્યો છે. ફોલોઓન થયા બાદ વિજય હાંસલ કરનાર ન્યુઝીલેન્ડ દુનિયાની ત્રીજી ટીમ બની છે. ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં ફક્ત બીજીવાર એવી ઘટના ઘટી છે કે કોઇ ટીમને માત્ર એક રને જીત મળી હોય. શ્વાસ થંભાવી દેનાર એક રનની આ જીતથી ન્યુઝીલેન્ડે બે મેચની શ્રેણી 1-1થી બરાબર કરવામાં સફળતા મેળવી છે. બેઝબોલ ક્રિકેટ રમી રહેલી ઇંગ્લેન્ડની ટીમના મોટાભાગના બેટર્સ બીજા દાવમાં આ જ રણનીતિની ચક્કરમાં તેમની વિકેટ ફેંકીને આઉટ થયા હતા. 

મેચના આજે અંતિમ દિવસે ઇંગ્લેન્ડને જીત માટે 258 રન કરવાના હતા, ઇંગ્લેન્ડની ટીમે આજે એક વિકેટે 48 રનથી તેનો બીજો દાવ આગળ વધાર્યો હતો અને લક્ષ્યનો પીછો કરતા તીવ્ર રસાકસી બાદ 256 રને ઓલઆઉટ થઇ હતી. આથી કિવિઝનો એક રને દિલધડક વિજય થયો હતો. ઇંગ્લેન્ડની આખરી વિકેટના રૂપમાં જેમ્સ એન્ડરસન આઉટ થયો હતો. નીલ વેગનારે તેને વિકેટ પાછળ કેચ આઉટ કરાવીને ઇંગ્લેન્ડનો વિજય છીનવી લીધો હતો. ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ 9પ રન જો રૂટે કર્યાં હતા. તેણે 113 દડામાં 8 ચોક્કા-1 છક્કો ફટકાર્યાં હતા. આ સિવાય બેન ડકેટે 33, જેક ક્રાઉલીએ 24 અને કેપ્ટન બેન સ્ટોક્સે 33 રનની ઇનિંગ રમી હતી. વિકેટકીપર બેન ફોકસે 35 રન કરીને ઇંગ્લેન્ડની જીત નજીક લાવી દીધું હતું, પણ અંતમાં ન્યુઝીલેન્ડની ટીમ બાજી પલટાવવામાં સફળ રહ્યંy હતું અને એક રને જીત મેળવી હતી. ન્યુઝીલેન્ડ તરફથી નીલ વેગનારે 4 વિકેટ ઝડપી હતી. કપ્તાન ટિમ સાઉધીને 3 વિકેટ મળી હતી. મેચની બીજી ઇનિંગમાં સદી કરનાર કેન વિલિયમ્સન મેન ઓફ ધ મેચ અને ઇંગ્લેન્ડનો હેરી બ્રુક મેન ઓફ ધ સિરીઝ બન્યો હતો. તે બીજા દાવમાં રનઆઉટ થયો હતો. આ મેચમાં ઇંગ્લેન્ડે તેનો પહેલો દાવ 8 વિકેટે 435 રને ડિકલેર કર્યોં હતો. બાદમાં ન્યુઝીલેન્ડ ટીમ 209 રને ઓલઆઉટ થઇ હતી. આથી તેને ઇંગ્લેન્ડે ફોલોઓનની ફરજ પાડી હતી. બીજા દાવમાં કિવિઝ ટીમ જોરદાર વાપસી કરીને 483 રન કર્યાં હતા. આથી ઇંગ્લેન્ડને જીત માટે 258 રનનું લક્ષ્ય મળ્યું હતું. જે સામે 256 રન થયા હતા. આથી એક રને હાર સહન કરવી પડી હતી. 

ફોલોઓન થયા બાદ બાવીસ વર્ષે કોઈ ટીમ જીતી

ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં 22 વર્ષ બાદ કોઇ ટીમ ફોલોઓન બાદ જીત મેળવી શકી છે. છેલ્લે ભારતે 2001માં કોલકતામાં ફોલોઓન થયા બાદ દ્રવિડ-લક્ષ્મણની યાદગાર ભાગીદારીની મદદથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આ પરાક્રમ કર્યું હતું. અગાઉ 1981માં લિડસમાં  ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અને 1984માં સિડનીમાં ઇંગ્લેન્ડે જ ઓસિ. સામે ફોલોઓન થયા બાદ જીત મેળવી હતી. આ ઉપરાંત કિવિઝ ટીમ 1 રને જીત મેળવનાર બીજી ટીમ બની છે. અગાઉ 1993માં વેસ્ટ ઇન્ડિઝનો ઓસ્ટ્રેલિયા સામે એક રને વિજય થયો હતો. તે સમયે ઓસ્ટ્રેલિયા સામે 186 રનનું વિજયલક્ષ્ય હતું.